Asia Cup 2025, IND vs PAK Final: ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 એશિયા કપ 2025 ની ફાઇનલ મેચ રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન અને ફખર ઝમાન શરૂઆતમાં સારી બેટિંગ કરી પરંતુ ત્યારબાદ ભારતીય સ્પિનરોએ વાપસી કરાવી અને તેમને બેકફુટ પર ધકેલી દીધા. કુલદીપ યાદવ ભારતનો સૌથી મોટો હીરો બનીને ઉભરી આવ્યો અને તેણે પાકિસ્તાના બેટિંગ ઓર્ડરને તોડી નાંખ્યો.
કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી
પાકિસ્તાન સામે ટી-20 એશિયા કપ 2025 ની ફાઇનલમાં કુલદીપ યાદવે ચાર ઓવરમાં 30 રન આપીને ચાર વિકેટ લીધી. પાકિસ્તાની બેટ્સમેનોએ તેની સામે સંઘર્ષ કર્યો અને સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા. કુલદીપે સેમ અયુબ, સલમાન અલી આગા, શાહીન શાહ આફ્રિદી અને ફહીમ અશરફને આઉટ કર્યા. આ સાથે તે એશિયા કપના ઇતિહાસમાં (ODI અને T20 બંને ફોર્મેટ સંયુક્ત) સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
મલિંગાનો રેકોર્ડ તૂટ્યો
કુલદીપ યાદવે લસિથ મલિંગાનો રેકોર્ડ તોડ્યો છે. કુલદીપ પાસે હવે એશિયા કપમાં (ODI અને T20 બંને ફોર્મેટમાં) કુલ 35 વિકેટ છે. મલિંગાએ એશિયા કપમાં (ODI અને T20 બંને ફોર્મેટમાં) 32 વિકેટ લીધી હતી. હવે કુલદીપે એશિયા કપના બંને ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં અન્ય તમામ બોલરોને પાછળ છોડી દીધા છે અને નંબર વન સ્થાન મેળવ્યું છે.
પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાની બેટ્સમેનો માટે મુશ્કેલ કાર્ય સાબિત થયું. વરુણ ચક્રવર્તીએ તેની ચાર ઓવરમાં 30 રન આપીને બે વિકેટ લીધી. વધુમાં અક્ષર પટેલે તેની ચાર ઓવરમાં 26 રન આપીને બે વિકેટ લીધી. કુલદીપે પણ ચાર વિકેટ લીધી. આ ખેલાડીઓને કારણે જ પાકિસ્તાની ટીમ ફક્ત 146 રન સુધી મર્યાદિત રહી.