સચિન તેંડુલકરને તેના 50માં જન્મ દિવસ પર ખાસ ભેટ મળશે. બર્થ ડે ગિફ્ટ તરીકે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિનની પ્રતિમા લગાવવામાં આવશે. જોકે પ્રતિમાનું અનાવરણ આ વર્ષે ભારતમાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવશે. સ્ટેચ્યૂ ક્યાં લાગશે તેનો નિર્ણય પણ સચિન તેંડુલકર પર છોડી દેવામાં આવ્યો છે. સચિન આ માટે પત્ની અંજલિ તેંડુલકર સાથે વાનખેડે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. તેમની સાથે મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ અમોલ કાલે પણ હતા.
આ મારા માટે ઘણું ખાસ સ્થાન છે – સચિન તેંડુલકર
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પોતાની પ્રતિમા લગાવવાને લઇને દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે મને ઘણો આનંદ થઇ રહ્યો છે. અહીંથી મારી કારકિર્દી શરુ થઇ હતી. આ મારા માટે ઘણું ખાસ સ્થાન છે. આ સ્થાન સાથે મારી ઘણી ખાસ વસ્તુ જોડાયેલી છે. આ સ્થાને મારી પ્રતિમા બનશે. આ મારા માટે ઘણી મોટી વાત છે.
જણાવી દઈએ કે સચિન તેંડુલકર વાનખેડે સ્ટેડિયમમાં જ પોતાનો એકમાત્ર વર્લ્ડ કપ જીત્યો હતો. આ જ મેદાન પર તે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરના નામથી એક સ્ટેન્ડ પહેલાથી જ છે.તે સિવાય સુનીલ ગાવસ્કરના નામે પણ સ્ટેન્ડ છે. જોકે કોઇ ખેલાડીનું સ્ટેચ્યૂ પ્રથમ વખત લગાવવામાં આવશે.
આ પણ વાંચો – રાજનીતિમાં આવ્યા પહેલા હરભજન સિંહે સચિન તેંડુલકરની લીધી હતી સલાહ, માસ્ટર બ્લાસ્ટરે કહ્યું હતું કે આ શરત પર બનજે સાંસદ
મેડમ તુસાદ મ્યૂઝિયમમાં પણ છે સચિન તેંડુલકરનું સ્ટેચ્યૂ
ઘણા દિગ્ગજ ક્રિકેટર્સના સ્ટેચ્યૂ મેડમ તુષાદ મ્યૂઝિયમમાં પણ છે. જેમાં સચિન તેંડુલકરનું નામ પણ સામેલ છે. દેશના ત્રણ અલગ-અલગ સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સીકે નાયડુના સ્ટેચ્યૂ લાગેલા છે. એક સ્ટેચ્યૂ વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમ લાગેલું છે. જ્યારે આંધ્ર પ્રદેશ અને ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં છે.
સચિને 2013માં ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી
મુંબઈમાં 24 એપ્રિલ 1973ના રોજ જન્મેલા સચિન તેંડુલકરે 16 નવેમ્બરે 2013ના રોજ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. સચિને વાનખેડે સ્ટેડિયમમાં પોતાની ફેરવેલ સ્પીચ પણ આપી હતી. સચિને આ સ્પીચ દરમિયાન પોતાના પુત્ર અર્જૂન તેંડુલકર અને પુત્રી સારા તેંડુલકરની માફી માંગી હતી. આ દરમિયાન સચિનની પત્ની અંજલિની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા હતા.
વન-ડે વર્લ્ડ કપ દરમિયાન પ્રતિમાનું અનાવરણ કરાશે
મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ અમોલ કાલે જણાવ્યું કે મને વિશ્વાસ છે કે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપ દરમિયાન પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. સચિન તેંડુલકરના ક્રિકેટમાં યોગદાનને આખી દુનિયા જાણે છે. સચિન ક્રિકેટનું ગૌરવ અને ભારત રત્ન છે.