MS Dhoni Retirement: મહેન્દ્રસિંહ ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 પછી નિવૃત્તિ જાહેર કરી શકે છે. નિવૃત્તિ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ધોનીને મહત્વની જવાબદારી આપી શકે છે. ધ ટેલિગ્રાફના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. બીસીસીઆઈના સૂત્રોના હવાલાથી ઇનસાઇડ સ્પોર્ટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઈ ભારતીય ક્રિકેટમાં સ્થાયી ભૂમિકા માટે ધોનીને બોલાવવા પર વિચાર કરી રહ્યું છે.
રિપોર્ટ્સ પ્રમાણે હાલમાં સમાપ્ત થયેલા આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમિ ફાઇનલમાં પરાજય પછી ટી-20 ફોર્મેટમાં ભારતની યોજનાઓમાં કેટલાક ફેરફાર થવાની આશા છે. બીસીસીઆઈ ધોનીના અનુભવ અને ટેકનિક કૌશલનો યોગ્ય રીતે ઉપયોગ કરવાને લઇને ઉત્સુક છે. પૂર્વ કેપ્ટનને ખેલાડીઓના એક વિશેષ સમૂહ સાથે કામ કરવા માટે કહેવામાં આવી શકે છે.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવું કેટલું રિસ્કી છે તે અંગે ઇરફાન પઠાણે કર્યો ખુલાસો, ટીમ ઇન્ડિયાને આપી સલાહ
એમએસ ધોની સાહસિક એપ્રોચ અને નિર્ણય લેવા માટે ઓળખાય છે અને પુરી રીતે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એન્ડ્રયુ સ્ટ્રોસ જેવી ભૂમિકા ભજવી શકે છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનને પણ લાગે છે કે બીસીસીઆઈએ ઘમંડ છોડીને ઇંગ્લેન્ડથી શીખવું જોઈએ કે આઈસીસી ટૂર્નામેન્ટ્સ કેવી રીતે જીતી શકાય છે.
સાત વર્ષ પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો એડિલેડમાં લગભગ આ જ પ્રકારે પરાજય થયો હતો. જ્યારે તે બાંગ્લાદેશ સામે હારી ગયું હતું અને વન-ડે વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યું હતું. આ પછી ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે હારની સમીક્ષા કરી અને ડાયરેક્ટર ઓફ ક્રિકેટના રુપમાં નવું પદ બનાવ્યું હતું. એન્ડ્રયુ સ્ટ્રોસ શીર્ષ બોસના રુપમાં નવો પદભાર સંભાળ્યો હતો. આ પગલાંને ઇંગ્લેન્ડ ક્રિકેટના કાયાકલ્પ કરવાના પ્રયત્નના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.