IND vs PAK Test Cricket : ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારત-પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે ઓક્ટોબરમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં (MCG) રોમાંચક મેચ રમાઇ હતી. અંતિમ બોલ પર તેનું પરિણામ આવ્યું હતું. સ્ટેડિયમમાં મેચ જોવા માટે 90 હજારથી વધારે દર્શકો પહોંચ્યા હતા. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે એમસીજી અને વિક્ટોરિયા સરકારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને મેલબોર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ કરાવવા માટે સંપર્ક કર્યો છે.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટના ચોથા દિવસે એસઇએન રેડિયો પર એમસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટુઅર્ટ ફોક્સે ખુલાસો કર્યો કે મેલબોર્ન ક્રિકેટ ક્લબ અને વિક્ટોરિયા સરકારે ભારત-પાકિસ્તાન વચ્ચે ન્યૂટ્રલ ટેસ્ટની યજમાની વિશે વાત કરી છે. રાજનીતિક તણાવના કારણે ભારત અને પાકિસ્તાન 2007 પછી એકબીજા સામે ટેસ્ટ મેચ રમ્યા નથી.
કેમ એમસીસી ભારત-પાકિસ્તાન મેચની યજમાની ઇચ્છે છે
ભારત-પાકિસ્તાનની ટીમ 2013થી દ્વિપક્ષીય ક્રિકેટ રમ્યા નથી. વર્લ્ડ કપ અને એશિયા કપ જેવી મલ્ટી નેશન ટૂર્નામેન્ટમાં એકબીજા સામે જ રમે છે. બન્ને ટીમો વચ્ચે મેચ જોવા રેકોર્ડતોડ સંખ્યામાં પ્રશંસકો સ્ટેડિયમ પહોંચે છે. બ્રોડકાસ્ટર્સને પણ ઘણો ફાયદો થાય છે. તેનાથી આઈસીસી અને ક્રિકેટ બોર્ડને ઘણી કમાણી થાય છે. આ જ કારણે એમસીસી બન્ને દેશો વચ્ચે ટેસ્ટ ક્રિકેટ કરાવવા માંગે છે.
આ પણ વાંચો – ભારતીય ક્રિકેટર્સ માટે વ્યસ્ત રહેશે 2023નું વર્ષ, જાણો આખા વર્ષનો કાર્યક્રમ
એમસીસીનું નિવેદન
ઇએસપીએનક્રિકેઇન્ફોના મતે સ્ટુઅર્ટ ફોક્સે કહ્યું કે ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ જોવા માટે 90,293 પ્રશંસકો આવ્યા હતા. આ પછી એમસીજી ટેસ્ટ ક્રિકેટમાં બન્ને દેશો વચ્ચે યજમાની કરવા માંગે છે. તેમણે કહ્યું કે સતત ત્રણ ટેસ્ટ શાનદાર રહેશે. સ્ટેડિયમ હંમેશા ભરેલું મળશે. અમે આને લઇને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે વાતચીત કરી છે. વિક્ટોરિયા સરકારે પણ વાતચીત કરી છે. વ્યસ્ત કાર્યક્રમમાં મેચ કરાવવી ઘણું મુશ્કેલ છે. આ ઘણી મોટી ચેલેન્જ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આઈસીસી સામે આ મુદ્દાને ઉઠાવશે. આ માટે તે જોર લગાવશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું નિવેદન
2023 અને 2027 વચ્ચેના ટૂર પ્રોગ્રામની વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ દ્વિપક્ષીય ક્રિકેટ સામેલ નથી. 2023માં એશિયા કપ પાકિસ્તાનમાં અને વન-ડે વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે. તેને લઇને બન્ને દેશો વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એક પ્રવક્તાએ ઇએસપીએનક્રિકેઇન્ફોને પૃષ્ટી કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂટ્રલ વેન્યૂ પર ટેસ્ટ કે ટેસ્ટ શ્રેણી રમવાનો કોઇપણ નિર્ણય પુરી રીતે બીસીસીઆઈ અને પીસીબીના હાથમાં છે. જો બન્ને દેશના બોર્ડ આ માટે તૈયાર થાય તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા યજમાનીમાં રસ બતાવશે.