Betting Case: આઈપીએલ 2023માં એક પછી એક રોમાંચક મેચ જોવા મળી રહી છે. પ્રશંસકોને ભરપૂર એક્શન જોવા મળી રહી છે. આ દરમિયાન એક ફિક્સિંગના રિપોર્ટે સનસનાટી મચાવી દીધી છે. ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આવેલા એક ફોન કોલથી હડકંપ મચી ગયો છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પહેલા આંધ્ર પ્રદેશની પોલીસે ફોન કોલ કરનાર વ્યક્તિની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ ઘરઆંગણે ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ અને 3 વન-ડે શ્રેણી રમ્યું હતું.
મોહમ્મદ સિરાજને આવ્યો ફોન કોલ
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને એક ફોન કોલ આવ્યો હતો. ફોન કરનારે સિરાજ પાસે ટીમની અંદરની જાણકારી માંગી હતી. સિરાજે તાત્કાલિક તેની ફરિયાદ બીસીસીઆઈ અને એન્ટી કરપ્શન યુનિટને કરી હતી. જેમણે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી હતી.
તપાસ પછી માહિતી સામે આવી કે સિરાજને કોઇ સટ્ટાબાજે નહીં પણ હૈદરાબાદના એક ડ્રાઇવરે કોલ કર્યો હતો. આ ડ્રાઇવરે સટ્ટામાં ઘણા પૈસા ગુમાવી દીધા હતા અને આ કારણે તેણે ટીમ વિશે જાણકારી મેળવવા માટે સિરાજને ફોન કર્યો હતો. બીસીસીઆઈ આ ઘટના પછી સતર્ક બની ગઇ છે.
આ પણ વાંચો – વીરેન્દ્ર સેહવાગને છતાવી રહ્યો છે એમએસ ધોની પર પ્રતિબંધ લાગવાનો ડર
દરેક ટીમ સાથે હાજર હોય છે એસીયૂ અધિકારી
દરેક ટીમ સાથે એન્ટી કરપ્શન યુનિટ (એસીયૂ) અધિકારી ઉપસ્થિત રહે છે. જે મેચ પહેલા અને મેચ પછીની દરેક ઘટના પર નજર રાખે છે. તે તે જ હોટલમાં રોકાય છે જ્યાં ટીમ રોકાયેલી હોય છે. તે સમય-સમય પર ખેલાડીઓ માટે વર્કશોપ આયોજીત કરે છે જેમાં બધાને હાજર રહેવું ફરજિયાત હોય છે. નિયમ પ્રમાણે જો કોઇ ખેલાડી સમય પર ઘટનાનો રિપોર્ટ ના કરે તો તેને સજા આપવામાં આવે છે.
2021માં શાકિબ અલ હસનને આ કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. 2013માં લીગમાં થયેલી સ્પોટ ફિક્સિંગ પછી બીસીસીઆઈ લીગમાં કોઇપણ પ્રકારના ભ્રષ્ટાચારને લઇને ઘણી ગંભીર છે. ખેલાડીઓ માટે સખત નિયમ બનાવવામાં આવ્યા છે. જેમને તોડવા પર સજાની જોગવાઇ છે.