ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બોલિવૂડ સુપરસ્ટાર આર માધવન સાથે એક્શન સીન કરતો જોવા મળી રહ્યો છે. 7 સપ્ટેમ્બરના રોજ, આર માધવને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેને તેણે વાસન બાલાની ફિલ્મ ‘ધ ચેઝ’નું ટીઝર ગણાવ્યું હતું અને તેમાં એમએસ ધોની માધવન સાથે ટાસ્ક ફોર્સ ઓફિસર તરીકે જોવા મળી રહ્યો છે.
ધોની-માધવનનું એક્શન
જોકે, આર માધવને તે ફિલ્મ છે કે શ્રેણી છે કે બીજું કંઈક અને તેની માહિતી હાલમાં ગુપ્ત રાખવામાં આવી છે. આ ક્લિપ થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. જે ટીઝર સામે આવ્યું છે તેમાં માધવન અને ધોની ટાસ્ક ફોર્સ ઓફિસર તરીકે મિશન પર બે સૈનિકો તરીકે જોવા મળે છે. બંને બુલેટપ્રૂફ જેકેટ પહેરેલા યુનિફોર્મમાં જોવા મળે છે. આ ક્લિપ શેર કરતાં માધવને કેપ્શન આપ્યું હતું, ‘એક મિશન-બે લડવૈયાઓ. સિટ બેલ્ટ લગાવી લો.’ ધ ચેઝ – ટીઝર હવે રિલીઝ થઈ ગયું છે. વાસન બાલા દ્વારા દિગ્દર્શિત. ટૂંક સમયમાં આવી રહ્યું છે.
એમએસ ધોની મોટા ભાગે કોઈને કોઈ જાહેરાત કરતો નજર આવે છે. પરંતુ કોઈ ફિલ્મમાં તે એક્શન સીન કરતો પ્રથમવાર નજર આવશે, ધોની ભારતમાં સૌથી સફળ કેપ્ટનોમાંનો એક છે. જેણે ટીમ ઈન્ડિયાને આઈસીસીના ત્રણ-ત્રણ ખિતાબો અપાવ્યા છે. ધોની હાલમાં આઈપીએલ માટે રમી રહ્યો છે અને આ વર્ષે 2025માં ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરીમાં તેણે ટીમની કેપ્ટનશીપ કરી હતી. જોકે આ ટીમનું ખુબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. અને આ ટીમ લીગની 14 મેચોમાંથી માત્ર 4 મેચો જ જીતી હતી અને બાકીની 10 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.