વુમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બન્યું છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા મુંબઈ ઇન્ડિયન્સે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટે 131 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.3 ઓવરમાં 3 વિકેટે લક્ષ્યાંક મેળવી લીધો હતો.
આઈપીએલમાં મેન્સમાં મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધારે 5 ટાઇટલ જીત્યા છે. જ્યારે હવે મુંબઈએ વુમેન્સ પ્રીમિયર લીગનું ટાઇટલ પોતાના નામે કર્યું છે.
બ્રન્ટના 55 બોલમાં 7 ફોરની મદદથી 60 રન
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. યાસ્તિકા ભાટિયા 4 અને હેલી મેથ્યુઝ 13 રને આઉટ થતા મુંબઈએ 23 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કેપ્ટન હરમનપ્રીત કૌર (37) અને બ્રન્ટે (60) 77 રનની ભાગીદારી નોંધાવી ટીમને જીત તરફ લઇ ગયા હતા. બ્રન્ટે 55 બોલમાં 7 ફોરની મદદથી અણનમ 60 રન બનાવ્યા હતા. અમિલા કેર 14 રને અણનમ રહી હતી.
આ પણ વાંચો – આઈપીએલના નવા નિયમો : ટોસ પછી પ્લેઇંગ ઇલેવન પસંદ કરી શકશે કેપ્ટન
દિલ્હી કેપિટલ્સના 131 રન
દિલ્હી તરફથી ઓપનર મેગ લેનિંગે 29 બોલમાં 5 ફોરની મદદથી 35 રન બનાવ્યા હતા. જે સૌથી મોટો સ્કોર હતો. આ પછી શીખા પાંડેએ 17 બોલમાં અણનમ 27 અને રાધા યાદવે 12 બોલમાં અણનમ 27 રન બનાવ્યા હતા. 6 પ્લેયર ડબલ સ્કોર સુધી પહોંચી શક્યા નથી. મુંબઈ તરફથી વાંગ અને મેથ્યુઝે 3-3 વિકેટ ઝડપી હતી. એમિલા કેરે 2 વિકેટ ઝડપી હતી.