scorecardresearch

વન-ડે વર્લ્ડ કપ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ રમાશે! આઈપીએલ પછી કાર્યક્રમની જાહેરાત થશે

ODI Cricket World Cup : જો બધુ જ નિર્ધારિત કાર્યક્રમ મુજબ રહ્યું તો 50 ઓવરના વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે

Ahmedabad Narendra Modi Stadium
એક લાખની બેઠક ક્ષમતા ધરાવતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દેશનું સૌથી મોટું સ્ટેડિયમ છે (ફાઇલ ફોટો)

દેવેન્દ્ર પાંડે : ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા આઇસીસી વન-ડે વર્લ્ડ કપમાં ભારત વર્સિસ પાકિસ્તાનની હાઇ પ્રોફાઇલ મેચની યજમાની કરવા માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. જે 2016 પછી ભારતની ધરતી પર બે કટ્ટર હરિફો વચ્ચેની પ્રથમ મેચ બનશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ મેચ માટે મોટી સંખ્યામાં પ્રશંસકો (વિદેશથી ભારત પ્રવાસે આવશે)ની સંભાવના જોતા આ હાઈવોલ્ટેજ મેચનું આયોજન અમદાવાદના સ્ટેડિયમમાં જ કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. એક લાખની બેઠક ક્ષમતા ધરાવતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દેશનું સૌથી મોટું સ્ટેડિયમ છે. હાલમાં ચાલી રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ પૂરી થયા બાદ બીસીસીઆઇ ભવ્ય રીતે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરશે તેમ જાણવા મળ્યું છે.

જો બધુ જ નિર્ધારિત કાર્યક્રમ મુજબ રહ્યું તો 50 ઓવરના વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. જેમાં નાગપુર, બેંગલોર, ત્રિવેન્દ્રમ, મુંબઈ, દિલ્હી, લખનઉ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર, બેંગલુરુ અને ધર્મશાળાને સ્થળ તરીકે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. આમાં પ્રેક્ટિસ મેચ પણ સામેલ છે. જોકે આ સ્થળોમાંથી માત્ર સાત જ ભારતની લીગ મેચોનું આયોજન કરશે. અમદાવાદ એકમાત્ર એવું સ્થળ હોઈ શકે છે જ્યાં ભારત બે મેચ રમી શકે છે. જોકે આ માટે ટીમ ફાઇનલમાં પ્રવેશ કરવો પડશે.

એવું જાણવા મળ્યું છે કે સલામતીના કારણોસર પાકિસ્તાન તેની મોટાભાગની મેચ ચેન્નઈ અને બેંગલુરુમાં રમી શકે છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સનો પણ આમાં સમાવેશ થઇ શકે છે. તેવી જ રીતે બાંગ્લાદેશ પણ તેની મોટાભાગની મેચો કોલકાતા અને ગુવાહાટીમાં જ રમી શકે છે કારણ કે તેનાથી પડોશી દેશના ચાહકો માટે પ્રવાસનું અંતર ઘટી જશે.

આ પણ વાંચો – શું ફરી તૂટશે ભારતનું આઈસીસી ટ્રોફી જીતવાનું સપનું, ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના 25% ખેલાડીઓ ઇજાગ્રસ્ત

ઓક્ટોબર-નવેમ્બરમાં ચોમાસાની સિઝન હોવાથી બીસીસીઆઇ નવેમ્બરના પ્રથમ સપ્તાહ અગાઉ દેશના દક્ષિણી ભાગોમાં રમાનારી મેચોને પુરી કરવાનું યોજના બનાવી રહ્યું છે. ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે બીસીસીઆઈએ ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે પણ ચર્ચા કરી હતી અને પાકિસ્તાન સામેની મેચ સિવાય અન્ય મેચો માટે તેમની પ્રાથમિકતાઓ માંગી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય ટીમે બીસીસીઆઇને વિનંતી કરી હતી કે તેઓ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામેની મેચો સ્પિનરોને મદદ કરે તેવા સ્થળો પર ફાળવવામાં આવે. ટીમ ઇન્ડિયાએ બોર્ડને કહ્યું છે કે તે ધીમી પિચોને પ્રાધાન્ય આપવા માંગે છે કારણ કે તે ઘરઆંગણે રમાનાર આ મેગા ઇવેન્ટનો તથાકથિત વધારેમાં વધારે લાભ લેવા માંગે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આવું ચલણમાં પણ છે.

બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે ભારતીય ટીમે ઘરઆંગણે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્લો ટ્રેક પર સારું પ્રદર્શન કર્યું છે. તેથી ટીમ મેનેજમેન્ટે વિનંતી કરી હતી કે જ્યારે પણ કાર્યક્રમ તૈયાર કરવામાં આવે ત્યારે ભારતીય ટીમે ધીમી પીચો પર ટોચની ટીમોનો સામનો કરવો જોઈએ. તેઓ ઘરેલુ પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવવા માંગે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યના ક્રિકેટ બોર્ડે બીસીસીઆઇને તેમની ઇચ્છાસૂચિ પહેલેથી જ આપી દીધી છે પરંતુ સ્થળો અને મેચોની ફાળવણી અંગેનો નિર્ણય બીસીસીઆઇ જ લેશે. સૂત્રએ જણાવ્યું કે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ રમાય તેવી પ્રબળ સંભાવના છે. જ્યારે ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની મેચો એવા સ્ટેડિયમમાં રમાશે જ્યાં પીચો ધીમી હશે.

બીસીસીઆઇએ 50 ઓવરના વર્લ્ડ કપ અગાઉ દેશભરના સ્ટેડિયમોને અપગ્રેડ કરવા માટે રુપિયા 500 કરોડથી વધુની રકમ ફાળવી છે. બીસીસીઆઈના સચિવ જય શાહે અગાઉ જણાવ્યું હતું કે સ્ટેડિયમોની હાલત અંગે તાજેતરની ટિકા બાદ બોર્ડ તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરશે. જેમાં સ્વચ્છ શૌચાલયો, સરળતાથી પ્રવેશ અને સ્વચ્છ બેઠકો ટોચની પ્રાથમિકતાઓ છે.

જય શાહે જણાવ્યું હતું કે દેશમાં હાલના તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વર્લ્ડ કપ પહેલા અપગ્રેડ કરવામાં આવશે. આઈપીએલ અને વર્લ્ડ કપ દરમિયાન વધારેમાં વધારે પ્રશંસકો સાથે જોડાવવા માટે સ્ટેડિયમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તેથી આ સમયગાળા દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવાનું કામ કરવામાં આવશે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Web Title: Odi cricket world cup coming up in october november india vs pakistan match at ahmedabad narendra modi stadium

Best of Express