Asia Cup : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યું કે જો પાકિસ્તાન પાસેથી એશિયા કપની યજમાની છીનવી લેવામાં આવશે તો ટૂર્નામેન્ટમાં રમશે નહીં. ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈ સચિવ જય શાહે ઓક્ટોબરમાં કહ્યું હતું કે ભારત આગામી વર્ષે એશિયા કપ માટે પાકિસ્તાન જશે નહીં અને ટૂર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજાશે. જય શાહ એશિયન ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ પણ છે.
તો પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી હટી જશે
રાવલપિંડીમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચ દરમિયાન રમીઝ રાજાએ કહ્યું કે એવું નથી કે અમારી પાસે યજમાનીના અધિકાર નથી અને અમે તેની યજમાની માટે વિનંતી કરી રહ્યા છીએ. અમે નિષ્પક્ષ રીતે અધિકાર મેળવ્યા છે. ભારતે ના આવવું હોય તો ના આવે. જો એશિયા કપની યજમાની પાકિસ્તાન પાસેથી લઇ લેવામાં આવશે તો અમે ટૂર્નામેન્ટથી હટી જઇશું. આ પહેલા રમીઝ રાજાએ કહ્યું હતું કે જો પાકિસ્તાનમાં રમાનાર એશિયા કપમાં ભારતની ટીમ નહીં આવે તો અમે આગામી વર્ષે ભારતમાં રમાનાર વર્લ્ડ કપમાં ભાગ લઇશું નહીં.
આ પણ વાંચો – ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 500 રન બનાવનારી પ્રથમ ટીમ બની ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાનો 112 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
રાજનીતિક સંબંધોના કારણે ક્રિકેટ બંધ છે
ભારત અને પાકિસ્તાનના રાજનીતિક સંબંધોના કારણે બન્ને દેશો વચ્ચે ક્રિકેટ બંધ છે. બન્ને દેશોની ટીમ ફક્ત આઈસીસી ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં જ ટકરાય છે. ભારતે છેલ્લે 2008માં એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. જ્યારે પાકિસ્તાન અંતિમ વખત 2016માં ટી-20 વર્લ્ડ કપ રમવા માટે ભારત આવ્યું હતું. બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય ક્ષેણી રમાતી નથી.
આ વર્ષમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 મેચો રમાઇ છે. બે મેચો એશિયા કપમાં રમાઇ અને એક મેચ આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં રમાઇ હતી. જેમાં ભારતમો 2 મેચમાં વિજય થયો છે. જ્યારે એક મેચમાં પાકિસ્તાનનો વિજય થયો છે.