Arjun Tendulkar Ranji Trophy Debut: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના (Sachin Tendulkar)પુત્ર અર્જૂન તેંડુલકરે (Arjun Tendulkar)રણજી ટ્રોફીમાં ધમાકેદાર શરૂઆત કરતા ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી છે. ગોવા તરફથી રમતા 23 વર્ષના અર્જૂને પોતાના પિતાના પગલે ચાલતા રણજી ટ્રોફીની પ્રથમ મેચમાં જ સદી ફટકારી દીધી છે.
રાજસ્થાન અને ગોવા વચ્ચે રમાય રહેલી રણજી ટ્રોફીની મેચમાં અર્જૂન તેંડુલકર 201 રનમાં 5 વિકેટ પડી ગયા પછી મેદાનમાં ઉતર્યો હતો. અર્જૂન તેંડુલકરે 12 ફોર અને 2 સિક્સરની મદદથી 178 બોલમાં 100 રન પુરા કર્યા હતા. તેના સિવાય ગોવા તરફથી સુશય પ્રભુદેસાઇએ પણ સદી ફટકારી છે. અર્જૂને 120 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – એક ભૂલ તોડી શકે છે ભારતનું સપનું, જાણો ટીમ ઇન્ડિયા કેવી રીતે પહોંચી શકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં
1988માં સચિને રણજીમાં ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી
વર્ષ 1988માં સચિન તેંડુલકરે ગુજરાત સામે મુંબઈ તરફથી રમતા રણજી ટ્રોફી ડેબ્યૂ મેચમાં 15 વર્ષની ઉંમરમાં સદી ફટકારી હતી. 34 વર્ષ પછી હવે સચિનના પુત્ર અર્જૂને રણજીમાં ડેબ્યૂ મેચમાં સદી ફટકારી છે. આ વર્ષની શરૂઆતમાં વધારે તક ના મળતા અર્જૂને મુંબઈ ક્રિકેટ સાથે છેડો ફાડી ગોવા તરફથી રમવાનો નિર્ણય કર્યો હતો. તે સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમા મુંબઈ તરફથી બે મેચ રમ્યો હતો. જે પછી તેને આઈપીએલ ટીમ મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો હતો. છેલ્લા બે વર્ષથી તે મુંબઈ ઇન્ડિયન્સનો સભ્ય છે પણ તેને ડેબ્યૂ કરવાની તક મળી નથી.
ગોવા વિશાળ સ્કોર ભણી
અર્જૂન તેંડુલકર અને સુશય પ્રભુદેસાઇની સદીની મદદથી ગોવાએ રાજસ્થાન સામે અંતિમ સમાચાર મળ્યા ત્યારે 6 વિકેટે 470 રન બનાવી લીધા છે.