World Test Championship 2021-23: ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન બનાવવા માટે લગભગ બધી મેચો જીતવી પડશે. ભારતીય ટીમ 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવાથી ચૂકી ગઇ હતી. ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો. આ વખતે ભારતીય ટીમે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે બાકી બચેલી 6 ટેસ્ટ મેચોમાં જીત મેળવવી પડશે. જો ભારતીય ટીમ કોઇ મુકાબલો હારી જશે તો અન્ય દેશોની શ્રેણી પર નિર્ભર રહેવું પડશે.
ઓસ્ટ્રેલિયા ટોચના સ્થાને
પાકિસ્તાન આ રેસમાંથી બહાર થઇ ગયું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ લગભગ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત બનાવી દીધું છે. ઓસ્ટ્રેલિયા સિવાય દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને ભારત પાસે તક છે. ભારત બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ રમવાનું છે. જો ટીમ ઇન્ડિયા તેમાંથી એકપણ ટેસ્ટ ગુમાવશે તો તેણે ઓસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ શ્રેણી પર મદાર રાખવો પડશે. દક્ષિણ આફ્રિકા હાલ ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ બન્ને ટીમો હાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે.
WTCમાં વર્તમાન પોઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાના પોઇન્ટ પ્રતિશત 75% છે અને તે શીર્ષ સ્થાને છે. દક્ષિણ આફ્રિકા 60 % પોઇન્ટ પ્રતિશત સાથે બીજા સ્થાને છે. શ્રીલંકા 53.33 % પોઇન્ટ પ્રતિશત સાથે ત્રીજા અને ભારત 52.08 % પોઇન્ટ પ્રતિશત સાથે ચોથા સ્થાને છે.
આ પણ વાંચો – સંજૂ સેમસને ફગાવી આયરલેન્ડ ક્રિકેટની ઓફર, કહ્યું- જ્યાં સુધી રમીશ ભારત તરફથી જ રમીશ
દક્ષિણ આફ્રિકા હારે તો ભારતને ફાયદો
જો ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકાનો વ્હાઇટવોશ કરવામાં સફળ રહે તો ભારત માટે રસ્તો આસાન બની જશે. દક્ષિણ આફ્રિકા એક કે બે ટેસ્ટ જીતશે તો ટીમ ઇન્ડિયાની રાહ મુશ્કેલ બની જશે. દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા પછી વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાના ઘરેલું મેદાન પર ટેસ્ટ શ્રેણી રમવાનું છે.
ટીમ ઇન્ડિયા બે ટેસ્ટ હારે તો શું થાય?
જો ભારત બાકી બચેવી 6 ટેસ્ટમાંથી એક હારે અને પાંચ જીતે તો તેના પોઇન્ટ પ્રતિશત 62.5 થશે. તેનો અર્થ એ છે કે ભારતની ફાઇનલમાં પહોંચવાની આશા રહેશે. જો ભારત બે ટેસ્ટ હારશે તો તેના પોઇન્ટ પ્રતિશત 56.94 થશે. આવી સ્થિતિમાં બાકી ટીમોના ભરોસે રહેવું પડશે
ભારતની આગામી ટેસ્ટ મેચ
ભારત વિ. બાંગ્લાદેશ – 14 ડિસેમ્બરથી
ભારત વિ. બાંગ્લાદેશ – 22 ડિસેમ્બરથી
ભારત વિ. ઓસ્ટ્રેલિયા – 9 ફેબ્રુઆરીથી
ભારત વિ. ઓસ્ટ્રેલિયા – 17 ફેબ્રુઆરીથી
ભારત વિ. ઓસ્ટ્રેલિયા – 1 માર્ચથી
ભારત વિ. ઓસ્ટ્રેલિયા – 9 માર્ચથી