T20 World Cup 2022: ટી-20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાન સામે અણનમ 82 રનની ઇનિંગ્સ પછી દરેક વિરાટ કોહલીની પ્રશંસા કરી રહ્યા છે. આ યાદીમાં હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું નામ સામેલ થઇ ગયું છે. તેમણે ફક્ત કોહલીની પ્રશંસા જ કરી નથી પૂર્વ કેપ્ટનની ટિકા કરનારને પણ જવાબ આપ્યો છે. રવિ શાસ્ત્રીનું કહેવું છે કે મીડિયા અને ટ્રોલ્સે વિરાટ કોહલી પર ઘણું દબાણ બનાવ્યું હતું પણ તેણે બધાને ચૂપ કરી દીધા હતા.
ઇન્ડિયન એક્સપ્રેસના શ્રીરામ વીરા સાથે વિરાટ કોહલીની ઇનિંગ્સ વિશે રવિ શાસ્ત્રીએ કહ્યું કે હું જ્યારે વિરાટની સૌથી શાનદાર ટી-20 ઇનિંગ્સ જોઈ રહ્યો હતો તો સહેજ પણ ચકિત ન હતો. બસ હું તેની રાહ જોઈ રહ્યો હતો. મને ખબર હતી કે આવું ઓસ્ટ્રેલિયામાં થશે. તમે ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીનો રેકોર્ડ જુઓ. અહીંની પિચ કોહલીને અનુકુળ છે. તે ઓસ્ટ્રેલિયન મેદાનો અને પ્રશંસકો સામે રમવાનું પસંદ કરે છે. કોહલીનો પાકિસ્તાન સામે રેકોર્ડ ઘણો સારો રહ્યો છે અને તક પણ ઘણી મોટી હતી.
રવિ શાસ્ત્રીએ કહ્યું કે મારો જે ભારત-પાકિસ્તાનનો મુકાબલો રમવો અને જોવાનો અનુભવ છે તેમાં હારિસ રઉફની ઓવરમાં લગાવેલી સિક્સરો કોઇ ભારતીય બેટ્સમેન તરફથી લગાવેલા સૌથી શાનદાર શોટ્સમાંથી એક છે. તેની સરખામણી 2003ના વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરે શોએબ અખ્તરની ઓવરમાં ફટકારેલી સિક્સર સાથે કરી શકાય છે. વિરાટની બે સિક્સરો લાંબા સમય સુધી મારા મગજમાં રહેશે.
આ પણ વાંચો – માંકડિંગને લઇને હાર્દિક પંડ્યાએ કહ્યું- જો ખોટું છે તો હટાવો નિયમ
રવિ શાસ્ત્રીએ કહ્યું કે મારી નજરમાં આ સૌથી શાનદાર ટી-20 મેચ રહી. મને પ્રથમ વખત લાગ્યું કે કોઇ ટી-20 મુકાબલો પણ કોઇ ક્લાસિક ટેસ્ટ મેચની જેમ હોઇ શકે છે. દબાણ, સ્કિલ, ઉતાર-ચડાવ આ એક ટી-20ની ટેસ્ટ મેચ હતી.
રવિ શાસ્ત્રીએ કોહલીની ટિકા કરનારને જવાબ આપતા કહ્યું કે આનાથી આગળ વિરાટ કોહલી માટે શું છે? મને વિરાટ કોહલી પાસે કોઇ આશા નથી. તેને બસ પોતાના જીવનનો આનંદ લેવા દઇએ. મીડિયા, ટિકાકારો અને ટ્રોલ્સે તેના પર ઘણું દબાણ બનાવ્યું પણ તેણે બતાવી દીધું કે તે કોણ છે. ચુપ કરી દીધાને બધાને.