Rishabh Pant IPL News: ટીમ ઇન્ડિયાના વિકેટકિપર ઋષભ પંતની ઘૂંટણની સર્જરી થઇ ગઇ છે. ઇજાના કારણે તે ક્રિકેટના મેદાનથી લગભગ 6 મહિના દૂર રહેશે. જેનો અર્થ છે કે તે આઇપીએલ-2023માં (IPL 2023) રમી શકશે નહીં. તે આઈપીએલની આખી સિઝન નહીં રમે છતા તેને આર્થિક નુકસાન થશે નહીં. તેને પુરી સેલેરી મળશે.
મેગા હરાજી પહેલા દિલ્હી કેપિટલ્સે પંતને 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો અને તેને આ વર્ષે પણ આટલા જ રૂપિયા આપવામાં આવશે. તેને આ પેમેન્ટ ફ્રેન્ચાઇઝી નહીં પણ બીસીસીઆઈ કરશે. ચેન્નઇ સુપરકિંગ્સનો ફાસ્ટ બોલર દીપક ચાહર ગત વર્ષે ઇજાના કારણે આઈપીએલમાં રમી શક્યો ન હતો. આમ છતા તેને 14 કરોડ રૂપિયા પેમેન્ટ કરવામાં આવ્યું હતું.
કેમ બીસીસીઆઈ કરશે પેમેન્ટ?
ઋષભ પંત બીસીસીઆઈનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટવાળો ખેલાડી છે. તે ગ્રેડ એ માં છે અને તેને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળે છે. આ રકમ તો બોર્ડ પાસેથી તેને મળશે જ સાથે આઈપીએલમાં નહીં રમે છતા બોર્ડ પાસેથી 16 કરોડ રૂપિયા મળશે. બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટવાળા ખેલાડીઓનો વીમો કરાવેલો છે. જો આ ખેલાડીઓમાંથી કોઇ ઇજાગ્રસ્ત થઇને આઈપીએલમાંથી બહાર થઇ જાય તો તેને વીમા કંપની પાસેથી પૂરી રકમ મળી જાય છે. આ નિયમ આઈપીએલ 2011માં લાગુ થયો હતો.
આ પણ વાંચો – ઇંગ્લેન્ડનો ક્રિકેટર ગૈરી બેલેન્સ હવે ઝિમ્બાબ્વે તરફથી રમશે, જાણો એવા ક્રિકેટર્સ વિશે જે બે દેશ તરફથી રમ્યા ક્રિકેટ
ખેલાડીનો કોન્ટ્રાક્ટ ના હોય તો શું થાય?
દીપક ચાહરને આઈપીએલ 2022 પહેલા મેગા ઓક્શનમાં ચેન્નઇ સુપરકિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે ઇજાગ્રસ્ત થતા આખી સિઝનમાંથી બહાર થઇ ગયો હતો. પણ તે બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ખેલાડીઓના લિસ્ટમાં ગ્રેડ સી માં હતો. તેને બીસીસીઆઈની પ્લેયર્સ ઇન્સ્યોરન્સ પોલિસીનો ફાયદો મળ્યો હતો. આ નિયમ પ્રમાણે ખેલાડી ઇજાના કારણે અડધી સિઝન બહાર થાય તો અડધી રકમ બીસીસીઆઈ અને અડધી રકમ ફ્રેન્ચાઇઝી પાસેથી મળે છે. જોકે બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ખેલાડીઓ સિવાય કોઇ પ્લેયર ઇજાગ્રસ્ત થઇ જાય તો તેને કશું મળતું નથી. તેના સ્થાને અન્ય કોઇ ખેલાડી આવી જાય છે.