Roger Binny Bcci President: રોજર બિન્નીની 18 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટ બોર્ડના (BCCI)36માં અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. તે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે. રોજર બિન્નીને મુંબઈમાં બીસીસીઆઈની એજીએમમાં (AGM)નિર્વિરોધ પસંદ કરાયા છે. રોજર બિન્ની 1983 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના સભ્ય છે. તે 83ના વિશ્વ કપમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર હતા. હવે તે નવી ભૂમિકામાં જોવા મળશે.
બીસીસીઆઈની એજીએમમાં જય શાહને સતત બીજા કાર્યકાળ માટે ફરી સચિવ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સિવાય નિર્વિરોધ પસંદ કરવામાં આવ્યા તેમાં કોષાધ્યક્ષ આશિષ શેલાર, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને સંયુક્ત સચિવ દેવજીત સેકિયા સામેલ છે.
આ પણ વાંચો – શું સૌરવ ગાંગુલી હવે રાજનીતિમાં એન્ટ્રી કરશે? કહ્યું- મોદી, અંબાણી કે તેંડુલકર એક દિવસમાં ના બની શકાય
આ સાથે બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનું સમર્થન કરશે અને આ પદ માટે સૌરવ ગાંગુલીના નામનું સર્મથન કરશે નહીં. એજીએમમાં આઈસીસી અને સીઇસીમાં બીસીસીઆઈ પ્રતિનિધિ પસંદ કરવા માટે પદાધિકારીઓને આના પર નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
રોજર બિન્નીનું બીસીસીઆઈ અધ્યક્ષ બનવાનું પહેલા જ નક્કી હતું કારણ કે આ પદ માટે કોઇ અન્ય નામાંકન ન હતું. એજીએમમાં એ વાતને લઇને પણ ચર્ચા થવાની હતી કે આઈસીસીમાં બીસીસીઆઈના બે પ્રતિનિધિ કોણ હશે. આઈસીસીની બોર્ડ બેઠકમાં જય શાહ બીસીસીઆઈના પ્રતિનિધિ થવાની આશા છે.