ભારતના સૌથી સ્ટાઇલિસ્ટ ક્રિકેટરની વાત કરવામાં આવે તો શિખર ધવન તેમાંથી એક છે. તે એક ઓપનર તરીકે બેસ્ટ છે અને તેણે ક્રિકેટ કારકિર્દીમાં આ સાબિત કર્યું છે. એક સ્ટાઇલ આઇકનના રૂપમાં પોતાને સ્થાપિત કરી ચુકેલા શિખર ધવને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પોતાના જીવન સાથે જોડાયેલી એક મોટી ઘટનાનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે તેણે કેવી રીતે ઘણી નાની ઉંમરમાં ટેટૂ બનાવવાની હિંમત કરી હતી અને આ પછી ડરના કારણે એચઆઈવી ટેસ્ટ પણ કરાવ્યો હતો.
14-15 વર્ષની ઉંમરમાં બનાવ્યું હતું પ્રથમ ટેટૂ
શિખર ધવને ટૂડે ગ્રુપને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેણે પોતાનું પ્રથમ ટેટૂ ફક્ત 14-15 વર્ષની ઉંમરમાં ત્યારે બનાવ્યું હતું જ્યારે તે ફરવા માટે મનાલી ગયો હતો. ટેટૂ કરાવ્યા પછી તે એટલો બધો ડરી ગયો હતો કે તેણે પોતાનો એચઆઈવી ટેસ્ટ કરાવ્યો હતો. આ વાત તેણે પરિવારજનોથી 3-4 મહિના સુધી છુપાવી હતી.
પિતાએ માર માર્યો હતો
ધવને જણાવ્યું કે જ્યારે હું 14-15 વર્ષનો હતો ત્યારે હું મનાલી ગયો હતો અને પોતાના પરિવારની જાણ બહાર પોતાની પીઠ પર એક ટેટૂ બનાવ્યું હતું. મેં આ વાતને લગભગ 3-4 મહિના સુધી છુપાવી હતી પણ જ્યારે મારા પિતાને આ વાતની ખબર પડી તો મને ઘણો માર માર્યો હતો. ધવને કહ્યું કે ટેટૂ બનાવ્યા પછી હું ડરી ગયો હતો કારણ કે મને ખબર ન હતી કે મારા શરીરમાં કેટલી સુઇ નાખવામાં આવી હતી. આ પછી ડરના કારણે મેં પોતાનો એચઆઇવી ટેસ્ટ કરાવ્યો હતો પણ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
આ પણ વાંચો – સૂર્યકુમાર યાદવ અને સંજૂ સેમસનની સરખામણી પર કપિલ દેવે કહી આવી વાત
આઈપીએલ-2023માં પંજાબ કિંગ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે
ધવને પોતાના શરીર પર બનેલા ટેટૂનો મતબલ પણ જણાવ્યો હતો. તેણે કહ્યું કે મારી પીઠ પર પ્રથમ ટેટૂ સ્કોર્પિયો હતું કારણ કે તે સમયે મારો વિચાર કાંઇક આવો જ હતો. જોકે પછી મેં તેના પર ડિઝાઇન બનાવી દીધી હતી. ધવને કહ્યું કે મેં પોતાના હાથ પર ભગવાન શિવનું ટેટૂ પણ બનાવ્યું છે અને મેં મહાભારતના પાત્ર વીર અર્જુનનું ટેટૂ પણ બનાવ્યું છે. કારણ કે તે ઘણો સારો તિરંદાજ હતો. શિખર ધવન હાલ ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહ્યો છે જોકે તે આઈપીએલ-2023માં પંજાબ કિંગ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે.