Clash In Syed Mushtaq Ali Trophy Match: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2022માં એલીટ ગ્રુપ ડી ના રાઉન્ડ-2 માં બરોડા અને સૌરાષ્ટ્ર વચ્ચેની મેચ દરમિયાન બબાલ થઇ હતી. અંબાતી રાયડુ અને શેલ્ડન જેક્સન ઝઘડી પડ્યા હતા. અમ્પાયર અને સાથી ખેલાડીઓએ વચ્ચે પડીને મામલાને શાંત કરાવ્યો હતો. અંબાતી રાયડુ બરોડાનો કેપ્ટન છે. શેલ્ડન જેક્સન સૌરાષ્ટ્રનો વિકેટકીપર છે. સૌરાષ્ટ્રનો કેપ્ટન જયદેવ ઉનડકટ છે.
શું હતી ઘટના
આ ઘટના મેચની નવમી ઓવર દરમિયાન બની હતી. તે સમયે શેલ્ડન જેક્સન ક્રીઝ પર હતો અને બરોડાનો કેપ્ટન રાયડુ કવર પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. તેણે શેલ્ડન જેક્સનને કશું કહ્યું હતું. કોમેન્ટેટર્સના મતે રાયડુએ દલીલ આપી કે શેલ્ડન જેક્સન બોલનો સામનો કરવામાં વધારે સમય લઇ રહ્યો હતો. જેથી તેને ગુસ્સો આવ્યો હતો.
આ પણ વાંચો – BCCI અધ્યક્ષની ચૂંટણી પર રાજકારણ ગરમાયું, TMCએ કહ્યું- જય શાહને બીજી ટર્મ તો સૌરવ ગાંગુલીને કેમ નહીં?
સૌરાષ્ટ્રનો 4 વિકેટે વિજય
આ મેચમાં સૌરાષ્ટ્રનો 4 વિકેટે વિજય થયો હતો. ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બરોડાએ 20 ઓવરમાં 4 વિકેટે 175 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા સૌરાષ્ટ્રે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 178 રન બનાવી મેચ જીતી લીધી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ઇતિહાસમાં સૌરાષ્ટ્રએ પ્રથમ વખત આટલો મોટો ટાર્ગેટ ચેઝ કર્યો છે.