T20 World Cup:પૂર્વ ઓપનર અને કમેંટેટર આકાશ ચોપડાએ ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી વધારે રન બનાવનાર અને વિકેટ ઝડપનાર બોલરને લઇને ભવિષ્યવાણી કરી છે. ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ જેવા ઘાતક પ્લેયર છે, જે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. જોકે આકાશ ચોપડાના મતે કેએલ રાહુલ ટીમ માટે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવશે. જ્યારે યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ સૌથી વધારે વિકેટ ઝડપશે. આ સિવાય હાર્દિક પંડ્યાની પ્રશંસા કરતા વન મેન આર્મી ગણાવ્યો છે.
કેએલ રાહુલને લઇને આકાશ ચોપડાએ કહ્યું કે કેએલ રાહુલ આપણો સર્વાધિક રન સ્કોરર હોઇ શકે છે. રાહુલ પાસે 20 ઓવર બેટિંગ કરવાની તક છે. તેની પાસે એવી ગેમ છે કે તે અંત સુધી બેટિંગ કરી શકે છે. આ પિચ તેને પસંદ પડવાની છે અને બેટ પર બોલ સારી રીતે આવશે, સૂર્યકુમાર યાદવથી થોડી ટક્કર મળી શકે છે. જોકે મને લાગે છે કે કેએલ રાહુલ આપણા દેશ માટે સૌથી વધારે રન બનાવનાર પ્લેયર રહેશે.
અર્શદીપ ઝડપશે સૌથી વધારે વિકેટ
બોલિંગને લઇને આકાશ ચોપડાએ કહ્યું કે મને લાગે છે કે અર્શદીપ સિંહ સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની શકે છે. તે નવા બોલથી બોલિંગ કરશે. ડેથ ઓવર્સમાં બોલિંગ કરશે અને બની શકે કે વચ્ચે ઓવર્સમાં બોલિંગ કરે. લેફ્ટ ઇઝ રાઇટ તો મને લાગે છે કે ઓસ્ટ્રેલિયાની પિચ તેને પસંદ આવવાની છે. મોટા-મોટા મેદાન હશે, તો મને લાગે છે કે અર્શદીપ આપણા માટે સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર બનશે.
આ પણ વાંચો – વિરાટ કોહલી અને રોહિત શર્મા ટી-20માંથી નિવૃત્તિ લેશે? ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચે કરી અટકળ
હાર્દિક પંડ્યાને મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર ગણાવ્યો
આકાશ ચોપરાએ હાર્દિક પંડ્યાને મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર ગણાવ્યો છે. આકાશે કહ્યું કે આ ખેલાડીની સિઝન સારી રહી તો પછી કોઇ ટેન્શનની વાત નહીં હોય. આ નામ છે હાર્દિક પંડ્યા. આપણો મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર તે જ છે કારણ કે બેલેન્સ પ્રદાન કરે છે. ફિનિશ કરીને આપે છે, બોલિંગ કરે છે. તે વન મેન આર્મી છે.
સેમિ ફાઇનલ પછી રસ્તો મુશ્કેલ
આકાશે કહ્યું કે ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલ સુધી આરામથી પહોંચી જશે. જોકે આ પછી તેની રાહ આસાન રહેશે નહીં. આ એક દિવસની ગેમ હોય છે પણ આપણી બોલિંગ ચમકી રહી નથી જે પરેશાનીની વાત છે.