T20 World Cup 2022, SL vs UAE: સંયુક્ત અરબ અમિરાત (યૂએઇ)ના સ્પિનર કાર્તિક મયપ્પને (Karthik Meiyappan)મંગળવારે ઇતિહાસ રચી દીધો છે. તે આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup 2022) હેટ્રિક ઝડપનાર પ્રથમ બોલર બન્યો છે. તેણે ગ્રુપ એ માં શ્રીલંકા સામેની મેચમાં ભાનુકા રાજપક્ષે, ચરિત અસલાંકા અને કેપ્ટન દાસુન શનાકાને આઉટ કર્યા હતા.
ચેન્નઇમાં 8 ઓક્ટોબર 2000ના રોજ જન્મેલા કાર્તિક મયપ્પને જિલોન્ગના કાર્દનિયા પાર્કમાં 15મી ઓવરમાં રાજપક્ષે, અસલાંકા અને શનાકાને આઉટ કરી શ્રીલંકાને બેકફૂટ પર મોકલી દીધું હતું. આ જ કારણ રહ્યું કે 11 ઓવરમાં 92 રન બનાવી ચુકેલી શ્રીલંકા આગામી 9 ઓવરમાં ફક્ત 60 રન જ બનાવી શક્યું હતું.
આ પણ વાંચો – મેલબોર્ન પહેલા બ્રિસબેન કેમ પહોંચી ભારત-પાકિસ્તાનની ટીમ?
મેચની 15મી ઓવરના ચોથા બોલે ભાનુકા રાજપક્ષેને ડીપ કવરમાં કેચ આઉટ કરાયો હતો. તેના સ્થાને આવેલો ચરિત અસલાંકા કાર્તિકની ગુગલી સમજી શક્યો નહીં અને વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. ઓવરના અંતિમ બોલે દાસુન શનાકાને બોલ્ડ કરીને ટી-20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ હેટ્રિક પોતાના નામે કરી હતી.
આઈસીસી ટી-20 મેન્સ વર્લ્ડ કપમાં આ અત્યાર સુધીની પાંચમી હેટ્રિક છે. કાર્તિક મયપ્પન પહેલા બ્રેટ લી, કર્ટિસ કેમ્ફર, વાનિંદુ હસરંગા અને કાગિસો રબાડા આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
શ્રીલંકાનો મેચમાં 79 રને વિજય
શ્રીલંકાનો મેચમાં 79 રને વિજય થયો હતો. શ્રીલંકાએ 20 ઓવરમાં 8 વિકેટે 152 રન બનાવ્યા હતા. જવાબમાં યૂએઈ 17.1 ઓવરમાં 73 રન બનાવી શકી હતી.





