scorecardresearch

ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના અભિયાનનો અંત, આ 5 કારણો ટીમ ઇન્ડિયાને પડ્યા ભારે

ઇંગ્લેન્ડે આઈસીસી ટી-20 વર્લ્ડ કપની બીજી સેમિ ફાઇનલમાં ભારત સામે 10 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો, ઇંગ્લેન્ડ 13 નવેમ્બરે ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે

ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના અભિયાનનો અંત, આ 5 કારણો ટીમ ઇન્ડિયાને પડ્યા ભારે
ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના અભિયાનનો અંત (તસવીર – ટ્વિટર)

India vs England Semi-Final: એલેક્સ હેલ્સ (અણનમ 86 રન) અને જોશ બટલરની (અણનમ 80 રન) અડધી સદીની મદદથી ઇંગ્લેન્ડે આઈસીસી ટી-20 વર્લ્ડ કપની બીજી સેમિ ફાઇનલમાં ભારત સામે 10 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત સાથે ઇંગ્લેન્ડે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ઇંગ્લેન્ડ 13 નવેમ્બરે ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. ટીમ ઇન્ડિયાના પરાજય માટે જવાબદાર કારણો જણાવી રહ્યા છીએ.

ટોસ ગુમાવવો ભારે પડ્યો

સેમિ ફાઇનલ જેવી મહત્વની મેચમાં ટોસની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. ભારતે આ મેચમાં ટોસ ગુમાવ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમમાં એકથી એક ચડિયાતા ટી-20 સ્પેશ્યાલિસ્ટ પ્લેયર છે અને તે સારી રીતે રનચેઝ કરી શકે છે. જેને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. મેચને જોતા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો છે.

કેએલ રાહુલનું મહત્વની મેચમાં કંગાળ પ્રદર્શન

કેએલ રાહુલ હંમેશા મહત્વની મેચમાં પાણીમાં બેસી જાય છે. આ સેમિ ફાઇનલમાં પણ તેણે આવું જ કર્યું હતું. તે 5 બોલમાં 5 રન બનાવી આઉટ થયો હતો. નબળી ટીમો સામે આક્રમક બેટિંગ કરીને ઉંચી-ઉંચી સિક્સરો ફટકારે છે પણ મજબૂત ટીમ અને નિર્ણાયક મેચ આવતા જ જલ્દી વિકેટ ફેંકી દેશે.

આ પણ વાંચો – ભારતનું ફાઇનલમાં પહોંચવાનું સપનું રોળાયું, સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે પરાજય

રોહિત શર્માની ધીમી બેટિંગ

બેટ્સમેન તરીકે રોહિત શર્મા માટે આ વર્લ્ડ કપ સાવ ખરાબ સાબિત થયો છે. તેના રનની વાત કરવામાં આવે તે 6 મેચમાં ફક્ત 116 રન બનાવી શક્યો છે. તેમાં 53 રન નેધરલેન્ડ્સ સામે છે. સેમિ ફાઇનલમાં મેચમાં સાવ ધીમી બેટિંગ કરતા 28 બોલમાં 27 રન કર્યા હતા. જેના કારણે ભારતે પાવરપ્લેની 6 ઓવરમાં ફક્ત 38 અને 10 ઓવરમાં 62 રન જ બનાવ્યા હતા.

બોલરોનો ફ્લોપ શો

બોલરોએ ફરી એક વખત નિરાશ કર્યા હતા. આજની મેચમાં એકપણ વખત એવું લાગ્યું નથી કે બોલરો વિકેટ ઝડપી શકશે. ખરાબ લાઇનલેન્થની બોલિંગને કારણે ઇંગ્લેન્ડના ઓપનરો સેટ થઇ ગયા હતા. સ્પિનર તરીકે અશ્વિન અને અક્ષર પટેલે પણ નિરાશ કર્યા હતા. ખરાબ બોલિંગનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે ઇંગ્લેન્ડે 169 રનનો પડકાર ફક્ત 16 ઓવરમાં વિના વિકેટ મેળવી લીધો હતો.

હેલ્સ-બટલરની અફલાતૂન બેટિંગ

ઇંગ્લેન્ડના ઓપનર એલેક્સ હેલ્સ અને જોશ બટલરે અફલાતૂન બેટિંગ કરી હતી. એલેક્સ હેલ્સે 47 બોલમાં 4 ફોર 7 સિક્સર સાથે અણનમ 86 અને જોશ બટલરે 49 બોલમાં 9 ફોર 3 સિક્સર સાથે અણનમ 80 રન બનાવ્યા હતા. બન્ને ઓપનરોએ ટીમ ઇન્ડિયાના બોલરોને એકપણ તક આપી ન હતી.

Web Title: T20 world cup 2022 india vs england 5 reasons why india lost semi final

Best of Express