India vs Pakistan: ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર હાઇવોલ્ટેજ મેચની પ્રશંસકો ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગત વર્ષે યૂએઈમાં રમાયેલી ટી-20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવી ઇતિહાસ રચ્યો હતો. પ્રથમ વખત ભારતનો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે પરાજય થયો હતો. આ વખતે પણ રોમાંચક મેચ રમાય તેવી આશા રાખવામાં આવી રહી છે. જોકે ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદનું વિધ્નરૂપ બની શકે છે.
ઓસ્ટ્રેલિયાના મોસમ વિભાગે જાણકારી આપી છે કે આ હાઇવોલ્ટેજ મુકાબલો વરસાદમાં ધોવાઇ શકે છે. મેચના દિવસે એટલે કે 23 ઓક્ટોબરે વરસાદની 80 ટકા સંભાવના છે. ખાસ કરીને સાંજે. એટલે કે મેચની મજા બગડે તેવી સંભાવના છે. જો મેલબોર્નમાં રવિવારે વરસાદ આવશે તો એવું પ્રથમ વખત બનશે જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપમાં બન્ને ટીમો વચ્ચેની મેચ વરસાદમાં ધોવાઇ જશે.
આ પણ વાંચો – T20 World Cup: ઓસ્ટ્રેલિયાએ સ્લો ઓવર રેટથી બચવા અપનાવ્યો આવો જુગાડ
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પણ ધોવાઇ શકે છે
ભારત અને પાકિસ્તાન જ નહીં સિડનીમાં 22 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર મેચ પણ ધોવાઇ શકે છે. મોસમ વિભાગના મતે સિડનીમાં શનિવારે ઘણી વધારે એટલે કે 90 ટકા વરસાદની સંભાવના છે. બપોરે અને સાંજે સૌથી વધારે સંભાવના છે. આ દરમિયાન વાવાઝોડાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. આ સુપર-12ની પ્રથમ મેચ છે. ઓસ્ટ્રેલિયા ગત વર્ષે ન્યૂઝીલેન્ડને હરાવી ચેમ્પિયન બન્યું હતું.
ગ્રુપ સ્ટેજ માટે કોઇ રિઝર્વ ડે નથી
બ્રિસબેનમાં બુધવારે ભારતની ન્યૂઝીલેન્ડ સામેની વોર્મઅપ મેચ વરસાદના કારણે રમાઇ ન હતી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની મેચ પણ વરસાદના કારણે રદ કરવી પડી હતી. હોબાર્ટમાં શુક્રવારે વરસાદની 60 ટકા સંભાવના છે. જ્યાં આયરલેન્ડનો સામનો વેસ્ટ ઇન્ડીઝ અને સ્કોટલેન્ડનો મુકાબલો ઝિમ્બાબ્વે સામે થવાનો છે. આ મેચથી રાઉન્ડ-1ના ગ્રુપ-બીમાંથી સુપર-12માં પહોંચનાર ટીમોના નામ નક્કી થવાના છે. સેમિ ફાઇનલ અને ફાઇનલ સિવાય ગ્રુપ સ્ટેજ માટે કોઇ રિઝર્વ ડે નથી.