T20 World Cup 2022: બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન નુરુલ હસને બુધવારે ભારત અને બાંગ્લાદેશની મેચ દરમિયાન વિરાટ કોહલી પર ફેક ફિલ્ડિંગનો આરોપ લગાવ્યો છે. સાથે કહ્યું કે આ માટે તેમની ટીમને પેનલ્ટી તરીકે 5 રન મળવા જોઇતા હતા. ઉલ્લેખનીય છે કે ભારતે બાંગ્લાદેશને એડિલેડમાં રોમાંચક મેચમાં 5 રને હરાવ્યું હતું.
ઘટના બાંગ્લાદેશની સાતમી ઓવરમાં બની
ઇએસપીએનક્રિકઇન્ફોના મતે આ ઘટના બાંગ્લાદેશની સાતમી ઓવરમાં બની હતી. અક્ષર પટેલના બોલ પર લિટન દાસે ઓફ સાઇડ તરફ બોલને ફટકાર્યો હતો. બાઉન્ડ્રીથી અર્શદીપ સિંહે થ્રો ફેંક્યો હતો. જોકે પોઇન્ટ પર ઉભેલા કોહલીએ એવું બતાવ્યું કે તે બોલને પકડીને નોન સ્ટ્રાઇક એન્ડ પર ફેંકી રહ્યો છે. જોકે તે બોલ પકડી શક્યો ન હતો. મેદાન પરના અમ્પાયર મરૈસ ઇરાસ્મસ-ક્રિસ બ્રાઉન અને બેટ્સમેન આ ઘટના જોઇ શક્યા ન હતા.
આ પણ વાંચો – વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યો
શું કહ્યું નુરુલ હસને
નુરુલ હસને કહ્યું કે મેદાન ભીનું હતું અને તેનો પ્રભાવ હતો. જ્યારે આપણે આ વિશેની વાત કરી રહ્યા છીએ તો એક ફેક થ્રો પણ હતો. તેના અમને પેનલ્ટીના પાંચ રન મળ્યા હોત તો અમને ફાયદો થયો હોત પણ દુર્ભાગ્યથી આવું થઇ શક્યું નહીં.
તમને જણાવી દઈએ કે અનફેયર પ્લે સાથે જોડાયેલ આઈસીસીના 41.5 નિયમ પ્રમાણે જાણી જોઇને બેટ્સમેનનું ધ્યાન ભટકાવવા કે વિધ્ન પહોંચાડવા પર બોલને ડેડ બોલ જાહેર કરવો જોઈએ. સાથે બેટ્સમેનને પેનલ્ટીના 5 રન પણ મળે છે.
ભારતનો 5 રને રોમાંચક વિજય
વિરાટ કોહલી (અણનમ 64) અને કેએલ રાહુલની અડધી સદી(50)ની મદદથી ભારતે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 5 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા. જોકે વરસાદના કારણે બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે બાંગ્લાદેશ 16 ઓવરમાં 6 વિકેટે 145 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારત 6 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને આવી ગયું છે અને સેમિ ફાઇનલની દાવેદારી મજબૂત બનાવી દીધી છે. ભારત હવે 6 નવેમ્બરે ઝિમ્બાબ્વે સામે રમશે.