T20 World Cup 2022 Pakistan vs New Zealand 1st Semi-Final: બોલરોના શાનદાર પ્રદર્શન પછી મોહમ્મદ રિઝવાન (57) અને બાબર આઝમની (53) અડધી સદીની મદદથી પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવી આઈસીસી ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પ્રથમ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 152 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે. પાકિસ્તાન ત્રીજી વખત ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા 2009 અને 2007માં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
પાકિસ્તાન ઇનિંગ્સ
બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને પ્રથમ વિકેટ માટે 12.4 ઓવરમાં 104 રનની ભાગીદારી કરી શાનદાર શરૂઆત અપાવી હતી. બાબર આઝમ 42 બોલમાં 7 ફોર સાથે 53 રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો હતો. રિઝવાને 36 બોલમાં 5 ફોર સાથે અડધી સદી ફટકારી હતી. રિઝવાન 43 બોલમાં 57 રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો હતો. આ પછી હરિસે 30 રન બનાવી જીત અપાવી હતી.
આ પણ વાંચો – હાર્દિક, શમી, અર્શદીપ અને ભુવનેશ્વર માટે રાહુલ દ્રવિડ, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ છોડી દીધી પોતાની સીટ
ન્યૂઝીલેન્ડ ઇનિંગ્સ
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કીવી ટીમની શરૂઆત સારી રહી ન હતી અને ફિન એલન 4 રન બનાવી ત્રીજા જ બોલે આઉટ થયો હતો. ડેરિલ મિશેલ અને કેન વિલિયમ્સન વચ્ચે 67 રનની ભાગીદારી નોંધાઇ હતી. કોનવે પાવરપ્લેના અંતિમ બોલ પર ડાયરેક્ટ થ્રો માં રન આઉટ થયો હતો. વિલિયમ્સન 46 રને આફ્રિદીની ઓવરમાં બોલ્ડ થયો હતો.
બીજી જ ઓવરમાં મોહમ્મદ નવાઝે ગ્લેન ફિલિપ્સને 6 રને પેવેલિયન મોકલ્યો હતો. મિચેલે બાજી સંભાળી હતી. તેણે 35 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે અણનમ 53 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહિન શાહ આફ્રિદીએ 2 વિકેટ ઝડપી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પાકિસ્તાન : મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, મોહમ્મદ હારિસ, શાન મસૂદ, ઇફ્તિખાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ, હારિસ રઉફ, શાહિન આફ્રિદી.
ન્યૂઝીલેન્ડ : ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમ્સન, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેંટનર, ટીમ સાઉથી, ઇશ સોઢી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.