T20 World Cup 2022: શ્રીલંકા અને નામીબિયાના મુકાબલા સાથે જ ટી-20 વર્લ્ડ કપ-2022ની શરૂઆત થઇ ગઇ છે. ટી-20 વર્લ્ડ કપના આ સંસ્કરણમાં સૌથી વધારે રન, વિકેટ અને કેચનો રેકોર્ડ તુટી શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ આ સિઝનમાં ઇતિહાસ રચી શકે છે.
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો એક રેકોર્ડ પણ ખતરામાં છે. રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સામે મેચથી કરશે.
રોહિત શર્માને ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધારે રન બનાવવા માટે 170 રનની જરૂર છે. વિરાટ કોહલીને આ સિદ્ધિ મેળવવા માટે 172 રનની જરૂર છે. આ મામલે હાલ શ્રીલંકાનો મહેલા જયવર્દને આગળ છે. તેણે ટી-20 વર્લ્ડ કપમાં 31 મેચમાં 1016 રન બનાવ્યા છે. રોહિતે અત્યાર સુધી 33 મેચમાં 847 અને વિરાટે 21 મેચમાં 845 રન બનાવ્યા છે.
આ પણ વાંચો – આ પ્લેયર બનાવશે સૌથી વધારે રન, આકાશ ચોપડાએ આ ખેલાડીને ગણાવ્યો વન મેન આર્મી
ટી-20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 9 સદી જોવા મળી છે. જેમાં ક્રિસ ગેઇલ એકમાત્ર એવો બેટ્સમેન છે જે બે વખત આ સિદ્ધિ પોતાના નામે કરવા સફળ રહ્યો છે. ભારત તરફથી સુરેશ રૈના એકમાત્ર બેટ્સમેન છે જેણે સદી ફટકારી છે. વિરાટ કોહલી ટી-20 વર્લ્ડ કપમાં 10 વખત 50 કે તેનાથી વધારે સ્કોર બનાવી ચૂક્યો છે. તે 21 મેચમાં ફક્ત 11 વખત આઉટ થયો છે.
ટી-20 વર્લ્ડ કપમાં વિકેટની પાછળ શિકાર કરવાની વાત કરવામાં આવે તો એમએસ ધોની ટોચના સ્થાને છે. તેણે 33 મેચમાં કુલ 32 શિકાર કર્યા છે. આ મામલે પાકિસ્તાનનો કામરાન અકમલ (30 શિકાર) બીજા નંબરે છે. આ પછી વેસ્ટ ઇન્ડીઝના દિનેશ રામદીન (27 શિકાર) , શ્રીલંકાનો કુમાર સંગાકારા (26 શિકાર) અને બાંગ્લાદેશના મુશ્ફિકુર રહમાનનો (24 શિકાર) નંબર આવે છે.
દક્ષિણ આફ્રિકાનો વિકેટકિપર ક્વિન્ટોન ડી કોક 2022ના વર્લ્ડ કપમાં વિકેટ પાછળ 18 શિકાર (કેચ અને સ્ટમ્પિંગ) કરી લેશે તો એમએસ ધોનીનો રેકોર્ડ તુટી જશે. ડી કોકે 2014ના સંસ્કરણમાં 5 મેચમાં વિકેટ પાછળ 8 શિકાર કર્યા હતા.