T20 World Cup 2022 Semi Final Scenario: આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં સુપર-12ના મુકાબલામાં રવિવારે દક્ષિણ આફ્રિકા સામે ભારતનો પરાજય થયો હતો. આ કારણે સેમિ ફાઇનલની રેસ રસપ્રદ બની ગઇ છે. સુપર-12માં ગ્રુપ-2માં બધી ટીમો 3-3 મેચ રમી ચુકી છે. એક નેધરલેન્ડ્સની ટીમ રેસમાંથી બહાર થઇ ગઇ છે. આ સિવાય પાંચ ટીમોને સેમિ ફાઇનલમાં પહોંચવાની તક છે. અહીં અમે જણાવી રહ્યા છીએ કે સુપર-12માં ગ્રુપ-2માં સેમિ ફાઇનલમાં કઇ ટીમને કેટલી તકો રહેલી છે.
દક્ષિણ આફ્રિકા, 3 મેચ, 5 પોઇન્ટ
3 મેચમાં 5 પોઇન્ટ અને એક મેચ નેધરલેન્ડ્સ સામે બાકી હોવાથી દક્ષિણ આફ્રિકા સેમિ ફાઇનલનો સ્લોટ બુક કરાવવા માટે મજબૂત સ્થિતિમાં છે. જો પાકિસ્તાન સામે હારી જાય અને નેધરલેન્ડ્સ સામે જીતી જાય તો તેના 7 પોઇન્ટ થઇ જશે. નેટ રનરેટ સારી હોવાથી ફાયદો મળી શકે છે.
ભારત – 3 મેચ, 4 પોઇન્ટ
દક્ષિણ આફ્રિકા સામે પરાજય પછી ભારતે સેમિ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે પોતાની અંતિમ બે મેચો જીતવી પડશે. બાકી રહેલી બન્ને મેચમાં જીત મેળવે તો ભારત 8 પોઇન્ટ સાથે આસાનીથી સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લેશે. એક પરાજય જો અને તો ની સ્થિતિ લાવી શકે છે. જો ટીમ બાંગ્લાદેશને હરાવે અને ઝિમ્બાબ્વે સામે હારી જાય તો ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકાના 7-7 કે તેનાથી વધારે પોઇન્ટ થઇ શકે છે. જો ભારત ઝિમ્બાબ્વેને હરાવી દે અને બાંગ્લાદેશ સામે હારી જાય તો બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા ભારતથી આગળ નીકળી શકે છે. બુધવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વરસાદની 70% સંભાવના છે. જેથી મોસમ ઉપર પણ નજર રહેશે.
બાંગ્લાદેશ – 3 મેચ, 4 પોઇન્ટ
બાંગ્લાદેશને ભારત અને પાકિસ્તાન સામે મેચ રમવાનું છે. બાંગ્લાદેશ અને ભારતના પોઇન્ટ સરખા છે. જોકે તેની રન રેટ ઘણી ખરાબ છે. તેણે બન્ને મેચમાં વિજય મેળવવો પડશે. જો તે બન્ને મેચમાં જીત મેળવે તો 8 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં સ્થાન બનાવશે. એક મેચમાં જીત થશે તો રનરેટ પર આધાર રાખવો પડશે.
આ પણ વાંચો – કોહલીએ ગેલને પછાડ્યો, હવે જયવર્ધનનો રેકોર્ડ તોડવાનો બાકી, રોહિત શર્માએ પણ તેંડુલકરની કરી બરાબરી
ઝિમ્બાબ્વે – 3 મેચ, 3 પોઇન્ટ
ઝિમ્બાબ્વેએ સેમિ ફાઇનલમાં રેસમાં બની રહેવા માટે બાકી બચેલી બન્ને મેચમાં વિજય મેળવવો પડશે. જો તે નેધરલેન્ડ્સને હરાવે અને ભારત સામે હારી જાય તો તેની પાસે ફક્ત પાંચ પોઇન્ટ રહેશે. જે પર્યાપ્ત રહેશે નહીં. ટીમને હળવાશમાં લેવાની ભૂલ ભારે પડશે. પાકિસ્તાન આ ભૂલ કરી ચુક્યું છે.
પાકિસ્તાન – 3 મેચ, 2 પોઇન્ટ
ભારત સામે દક્ષિણ આફ્રિકાની જીતથી પાકિસ્તાનના સંભાવનાઓને ધક્કો પહોંચ્યો છે. પાકિસ્તાને બાકી રહેલી બન્ને મેચ જીતવી ફરજીયાત છે. પાકિસ્તાન બાકી રહેલી બન્ને મેચ જીતે તો પણ તે વધારેમાં વધારે 6 પોઇન્ટ મેળવી શકે છે. આ સિવાય તેણે આશા રાખવી પડે કે ભારત એક મેચ હારી જાય. જો ભારત બન્ને મેચ જીત જાય તો 8 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં સ્થાન મેળવી લેશે. ભારત એક મેચ હારે અને પાકિસ્તાન બન્ને મેચ જીત જો બન્નેના 6-6 પોઇન્ટ થશે. આ સમયે રનરેટ વધારે મહત્વપૂર્ણ બની જશે.
નેધરલેન્ડ્સ – 3 મેચ, 0 પોઇન્ટ
ત્રણ મેચમાં પરાજય સાથે નેધરલેન્ડ્સના અભિયાનનો અંત આવી ગયો છે. તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે.