Virat Kohli Hotel Room Video Leaked: ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ રમાઇ રહ્યો છે. આ દરમિયાન ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ એવો અનુભવ કર્યો જેની ક્યારેય કલ્પના કરી ન હતી. તે પોતાની હોટલ રુમનો વીડિયો લીક થવાથી નારાજ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેનો વીડિયો શેર કર્યો અને કહ્યું કે આ પ્રાઇવેસીનું ઉલ્લંઘન છે. જેમાં કોઇ વ્યક્તિએ કોહલીના હોટલના રુમમાં પ્રવેશ કર્યો હતો.
આ દરમિયાન વિરાટ ત્યાં હાજર ન હતો અને તેના રૂમની ક્લિપ બનાવવામાં આવી હતી. જેમાં કોહલીના શૂઝ, સુટકેશમાં રાખેલો સામાન અને કપડા સહિત અન્ય વસ્તુઓ જોવા મળી રહી છે. ભારતના પૂર્વ કેપ્ટનને આ જોઇને ઝટકો લાગ્યો અને તેણે પ્રશંસકોને વિનંતી કરી કે પ્રાઇવેસીનું સન્માન કરો અને તેને મનોરંજનનું સાધન ન સમજો.
આ પણ વાંચો – મીડિયા અને ટ્રોલ્સે કોહલી પર ઘણું દબાણ કર્યું, જોકે તેણે બધાના મોઢા બંધ કરી દીધા : રવિ શાસ્ત્રી
કોહલીએ શું કહ્યું
કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં કહ્યું કે હું એ વાત સમજું છું કે પ્રશંસક પોતાના મનપસંદ ખેલાડીઓને જોઈને ઘણા ખુશ અને ઉત્સાહિત થાય છે અને તેમને મળવા માટે આતુર હોય છે અને મેં તેમની હંમેશા પ્રશંસા કરી છે. જોકે આ વીડિયો ભયાવહ અને મને પોતાની પ્રાઇવેસીને લઇને સંશયમાં મુકી દીધો છે.
પ્રાઇવેસી મનોરંજનનું સાધન નથી
વિરાટે આગળ કહ્યું કે જો મને પોતાના હોટલમા રૂમમાં પ્રાઇવેસી નહીં મળે તો હું અંગત સ્પેસની અપેક્ષા ક્યાં કરું?? મારા માટે આ પ્રકારની પ્રાઇવેસીમાં દખલ આપવી યોગ્ય નથી. કૃપા કરીને લોકોની પ્રાઇવેસીનું સન્માન કરો અને તેને મનોરંજનું સાધન ના સમજો. વિરાટની પોસ્ટ પર ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નરે પણ કોમેન્ટ કરી છે. તેણે કહ્યું કે આ અસ્વીકાર્ય છે. શું આ ક્રાઉન પર્થ હતી?
અનુષ્કા શર્માએ પણ વ્યક્ત કરી નારાજગી
વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માએ પણ આ વિશે નારાજગી વ્યક્ત કરી છે. તેણે વીડિયોનો સ્ક્રીનશોટ શેર કરીને કહ્યું કે કેટલીક એવી ઘટનાઓનો અનુભવ કર્યો છે જ્યાં કેટલાક પ્રશંસકોએ સમજદારી બતાવી નથી. આ ઘણી ખરાબ વાત છે. એક માણસનું અપમાન છે. આને લઇને જે કોઇપણ એ વિચારે છે કે સેલિબ્રિટી હોય તો ડિલ કરવી પડશે. તેમને ખબર હોવી જોઈએ કે તમે પણ સમસ્યાનો ભાગ છો. પોતાના પર કાબુ રાખવો સારો હોય છે.