/indian-express-gujarati/media/media_files/2026/02/02/pakistan-boycott-india-match-2026-02-02-14-30-33.jpg)
આઈસીસી અધ્યક્ષ જય શાહ અને પીસીબી પ્રમુખ મોહસિન નકવી. Photograph: (સોશિયલ મીડિયા)
T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026માં ભારત સામેની મેચનો બહિષ્કાર કર્યા બાદ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની કાર્યવાહીથી બચવા માટે અપ્રત્યાશિત ઘટનાની દલીલ કરી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસને આ જાણકારી મળી છે. આ દલીલનો ઉપયોગ ફોર્સ મેજર કલમો માટે થાય છે, જેના કારણે કરાર પૂર્ણ થઈ શકતો નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનાર મેચ ના રમવા માટે આઇસીસીને 1 ફેબ્રુઆરીએ તેની સરકારની સોશિયલ મીડિયા પોસ્ટ અટેચ કરીને તેના વલણને યોગ્ય ગણાવશે. સોશિયલ મીડિયાની આ પોસ્ટમાં ભારત સાથેની મેચનો બહિષ્કાર કરવાની સૂચના આપવામાં આવી હતી. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે પીસીબીની આ દલીલ ટકી શકશે નહીં.
પાકિસ્તાન પાસે અંતિમ વિકલ્પ
ટી-20 વર્લ્ડ કપ 2026 શનિવારે (7 ફેબ્રુઆરી) થી શરૂ થવાનો છે. આ પહેલા ભારત-પાકિસ્તાન મેચની જાણકારી ધરાવતા સૂત્રોએ કહ્યું હતું કે અપ્રત્યાશિત ઘટના દલીલ કરીને પાકિસ્તાન એવો દાવો કરશે કે પરિસ્થિતિ અસાધારણ હતી અને તેમના કંટ્રોલની બહાર હતી. એક અધિકારીએ કહ્યું કે આ તેનો છેલ્લો વિકલ્પ છે કારણ કે તેની પાસે ભારત સાથે ન રમવાનું બીજું કોઈ કારણ નથી.
પાકિસ્તાન અલગ-થલગ પડી શકે છે
રવિવારે પાકિસ્તાન સરકારના અપ્રત્યાશિત હસ્તક્ષેપ બાદ આઇસીસીએ એક નિવેદન બહાર પાડીને પીસીબીને સંભવિત કાર્યવાહીની જાણ કરી હતી. જોકે આઇસીસીએ આ પ્રતિબંધ અંગે સ્પષ્ટપણે કંઇ કહ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન બોર્ડને ભારે દંડ ભરવો પડી શકે છે, કારણ કે તેમના આ પગલાથી બ્રોડકાસ્ટરને મોટું નુકસાન થશે. આઇસીસીમાં દ્વિપક્ષિય શ્રેણી પર પ્રતિબંધ મૂકીને પાકિસ્તાનને સજા પણ કરી શકે છે. તેના કારણે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ-થલગ પડી શકે છે.
અગાઉ મેચનો બહિષ્કાર કરવા પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી
આઇસીસી ટુર્નામેન્ટમાં ભૂતકાળમાં ઘણી ટીમોએ મેચ રમવાનો ઇન્કાર કરી દીધો છે અને તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 1996ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝે શ્રીલંકા જવાનો ઈન્કાર કર્યો ત્યારે તેમના પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો ન હતો કે તેમના આવકના હિસ્સામાં પણ કોઈ ઘટાડો કરવામાં આવ્યો ન હતો. 2003ના વર્લ્ડ કપ દરમિયાન પણ આવું જ બન્યું હતું ત્યારે ઇંગ્લેન્ડે તેમની સરકારની સૂચનાઓના આધારે ઝિમ્બાબ્વે જવાનો ઇનકાર કરી દીધો હતો.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 કાર્યક્રમ, ફોર્મેટ, ફાઇનલ સહિત બધી માહિતી એક જ ક્લિકમાં
આ જ ટીર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડે સુરક્ષાના કારણોસર નૈરોબી પ્રવાસ કર્યો ન હતો. આ સિવાય ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) ઉપર પણ કોઇ પ્રતિબંધિત મુકવામાં આવ્યો ન હતો જ્યારે તેણે ઈંગ્લેન્ડે 2009ના ટી-20 વર્લ્ડ કપ માટે ઝિમ્બાબ્વેના ખેલાડીઓને વિઝા આપવાનો ઈન્કાર કર્યો હતો.
પાકિસ્તાનનો તર્ક અલગ છે
પાકિસ્તાનનો મામલો થોડો અલગ છે. અત્યાર સુધી કોઈ પણ ટીમે કોઈ કારણ વગર મેદાન પર ઉતરવાનો ઇન્કાર કર્યો નથી. તેથી ફોર્સ મેજર કલમનું અર્થઘટન શું થશે તે જોવાનું બાકી છે. જો આ મેચ ભારતમાં યોજાવાની હોત તો પીસીબીની દલીલ મજબૂત હોત, પરંતુ કોલંબો તટસ્થ સ્થળ છે. આ સિવાય પીસીબીએ પોતાની મેચો શ્રીલંકામાં રમવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આઇસીસી એવી દલીલ કરી શકે છે કે ફક્ત ભારત સામે માત્ર જ મેચ કેમ નથી રમવી?
બીસીસીઆઈએ પાકિસ્તાનની દલીલને કમજોર ગણાવી
ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે પીસીબીની દલીલ નબળી છે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે જ્યારે પાકિસ્તાનને અંડર-19 વર્લ્ડ કપમાં ભારત સામે રમવામાં કોઈ સમસ્યા ન હતી, જે દિવસે તેમની સરકારે ટી-20 વર્લ્ડ કપની મેચનો બહિષ્કાર કર્યો હતો, આ વાત કામ આવશે નહીં. આ સિવાય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન સરકાર વચ્ચે ખાસ ફરક નથી. પાકિસ્તાનના વડા પ્રધાન પીસીબીના સંરક્ષક છે. પીસીબીના અધ્યક્ષ એક મંત્રી છે.
પાકિસ્તાન કારણ વગર જીદ અપનાવી રહ્યું છે
બીસીસીઆઈના પદાધિકારીએ કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના બોર્ડ ક્રિકેટમાં રાજકારણને ભેળવી રહ્યા છે. ભારત સરકાર તરફથી સુરક્ષાની ખાતરી આપતા વારંવાર નિવેદનો આપવા છતાં બાંગ્લાદેશની ટીમ ભારત આવી ન હતી. હવે પાકિસ્તાન પણ બિનજરૂરી જીદ અપનાવી રહ્યું છે. આઇસીસી ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન તટસ્થ સ્થળે રમશે તે અંગે સહમતિ સાધવામાં આવી હતી. મેચનો બહિષ્કાર કરવો એ માત્ર શરારત છે.
બાંગ્લાદેશને સ્થાને સ્કોટલેન્ડનો સમાવેશ કરાયો
આઇસીસીએ વારંવાર ઇન્કાર કર્યો હોવા છતાં બાંગ્લાદેશ તેના વલણ પર અડગ રહ્યું હતું, જે પછી તેના બદલે સ્કોટલેન્ડને ટૂર્નામેન્ટમાં સામેલ કરવામાં આવ્યું હતુ. દરમિયાનમાં પાકિસ્તાને બાંગ્લાદેશને ટેકો આપ્યો હતો અને આઇસીસી પર બેવડા ધોરણો અપનાવવાનો આક્ષેપ કર્યો હતો. આ પછી પાકિસ્તાન સરકારે દરમિયાનગીરી કરવી પડી હતી અને ભારત સાથેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us