/indian-express-gujarati/media/media_files/2026/01/13/gautam-gambhir-ajit-agarkar-2026-01-13-18-02-02.jpg)
ભારતીય. ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કોચ ગૌતમ ગંભીર.
Team India : ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રુમમાં અને ટીમની થિંક ટેન્કમાં ઘણા વિવાદોના અહેવાલો લાંબા સમયથી ચાલી રહ્યા છે. પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી અચાનક નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ અચાનક ટેસ્ટની કેપ્ટન્સી આપ્યા બાદ શુભમન ગિલને ટી-20માં પ્રમોટ કર્યો હતો અને ત્યારબાદ અચાનક તેને વર્લ્ડકપની ટીમમાંથી પડતો મૂક્યો હતો. આ દરેક મુદ્દા પર ઘણી ચર્ચા થઈ રહી છે. હવે ભૂતપૂર્વ ક્રિકેટરે પસંદગીકારો અને કોચિંગ સ્ટાફ વચ્ચેના મતભેદો અંગે વાત કરી છે.
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ પોતાનો એક વીડિયો જાહેર કર્યો છે અને ટીમના પસંદગીકારો અને કોચિંગ સ્ટાફ વચ્ચેના મતભેદોને લઇને સવાલ ઉઠાવ્યા હતા. ચોપરાએ નીતીશ કુમાર રેડ્ડીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે પસંદગીકારો તેની પસંદગી કરે છે પણ કોચ અને કેપ્ટન કદાચ તેને રમવા માટે લાયક માનતા નથી.
આ મુદે આકાશ ચોપરાએ કહ્યું કે શું પસંદગીકારો અને કોચિંગ સ્ટાફ વચ્ચે મતભેદ છે? કારણ કે નીતિશ કુમાર રેડ્ડી સાથે જે કરવામાં આવી રહ્યું છે તે મને સમજાતું નથી. કારણ કે તેની દર વખતે પસંદગી કરવામાં આવે છે પરંતુ તેને તક મળતી નથી. ટેસ્ટમાં તમે તેને ચાર-પાંચ ઓવર નખાવો છો પણ બેટિંગ કરાવતા નથી. તે વ્હાઇટ બોલ ટીમની ટીમમાં છે પરંતુ તે રમતો નથી.
તેમણે વધુમાં કહ્યું કે પસંદગીકારો પોતાનું કામ કરે છે, તેઓ સિલેક્ટ કરે છે, પરંતુ તેને ફરીથી રમાડવવામાં આવતો નથી. એવું કેમ છે કે પસંદગીકારોને લાગે છે કે તેને સિલેક્ટ કરવો જરુરી છે, તે ભવિષ્યમાં હાર્દિકના રિપ્લેસમેન્ટના રુપમાં છે, પણ ટીમ મેનેજમેન્ટને એવું લાગતું નથી. પરંતુ મને એ સમજાતું નથી કારણ કે જો તેને બહાર બેસાડવો હોય તો તેણે વિજય હઝારે ટ્રોફીમાં જવું જોઈએ, તેની ટીમ માટે રમવું જોઈએ અને રન બનાવવા જોઈએ.
નીતીશ કુમાર રેડ્ડીના આંકડા કેવા છે?
નીતિશ કુમાર રેડ્ડીના આંકડા વિશે વાત કરીએ તો ઓક્ટોબર 2024માં તેણે ટીમ ઈન્ડિયા તરફથી આંતરરાષ્ટ્રીય ટી 20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી તે માત્ર ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે, ત્રણ વિકેટ ઝડપી છે અને 90 રન બનાવ્યા છે. તે હાલની ટી-20 ટીમમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે ટેસ્ટમાં નીતિશે નવેમ્બર 2024માં ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં 10 મેચની 15 ઇનિંગ્સમાં તેણે માત્ર 515 બોલ એટલે કે લગભગ 85.5 ઓવર ફેંકી છે અને 8 વિકેટ લીધી છે.
આ પણ વાંચો - વિરાટ કોહલીનું ઇમોશનલ નિવેદન, કહ્યું - મારા એવોર્ડ્સ મમ્મી સંભાળીને રાખે છે
નીતિશે ટેસ્ટમાં 16 ઇનિંગ્સમાં સદી સહિત 396 રન ફટકાર્યા છે. વન ડે ટીમમાં તેની પસંદગી સતત ટીમમાં કરવામાં આવે છે પરંતુ તે પ્લેઈંગ 11માંથી બહાર રહે છે. તેણે ઓક્ટોબર 2025માં ઓસ્ટ્રેલિયામાં વન ડે ડેબ્યૂ કર્યું હતું અને ત્યારબાદથી તે માત્ર બે મેચ રમ્યો છે અને એકંદરે માત્ર 5.1 ઓવર ફેંકી છે. તેને વન ડેમાં એક પણ વિકેટ મળી નથી અને તેણે બે ઈનિંગમાં 27 રન ફટકાર્યા હતા. તે વર્તમાન ન્યૂઝીલેન્ડ શ્રેણીની વન ડે ટીમનો પણ ભાગ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us