ઇન્દોર ટેસ્ટ મેચ પણ પ્રથમ બે ટેસ્ટની જેમ ત્રીજા જ દિવસે ખતમ થઇ ગઇ છે. જોકે આ વખતે પરિણામ ભારતના પક્ષમાં નહીં ઓસ્ટ્રેલિયાના પક્ષમાં આવ્યું છે. ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો 9 વિકેટે પરાજય થયો હતો. 76 રનના લક્ષ્યાંકને ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. આ હાર સાથે રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહોંચવાનું સપનું હાલ પુરતું તુટી ગયું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ ઇન્દોર ટેસ્ટમાં જીત સાથે ફાઇનલમાં પહોંચી ગઇ છે. જોકે ભારતની ફાઇનલમાં પહોંચવાની આશા હજુ પુરી રીતે સમાપ્ત થઇ નથી.
ભારત કેવી રીતે પહોંચી શકે છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં
ટીમ ઇન્ડિયા હાલ ચાર ટેસ્ટની શ્રેણીમાં 2-1થી આગળ છે અને હજુ તેની પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની તક છે. જોકે આ માટે ભારતે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર બે ટેસ્ટ મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. હવે ભારતની ફાઇનલમાં પહોંચવાની આશા જો અને તો પર આવી ગઇ છે.
આ પણ વાંચો – સચિન તેંડુલકરનું સ્ટેચ્યૂ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં લાગશે, સચિને કહ્યું- આ મારા માટે ઘણી મોટી વાત
ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદમાં રમાનાર ચોથી ટેસ્ટ મેચ જીતવી જરૂરી રહેશે. સાથે આશા રાખવી પડશે કે ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની ધરતી પર બે ટેસ્ટ મેચની શ્રેણીમાં શ્રીલંકાને ઓછામાં ઓછી એક મેચમાં હરાવી દે. જો શ્રીલંકાની ટીમ ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવી દેશે તો તે ફાઇનલમાં પહોંચી જશે.જોકે આ ઘણું મુશ્કેલ છે લાગી રહ્યું છે કારણ કે ન્યૂઝીલેન્ડને તેના ઘરઆંગણે હરાવવું કોઇ ટીમ માટે આસાન નથી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની સ્થિતિ
ભારતને ઇન્દોર ટેસ્ટ મેચમાં હરાવીને ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં નંબર વન બની ગઇ છે. તેના 123 પોઇન્ટ છે અને જીતની ટકાવારી 68.52 છે. ભારત બીજા ક્રમાંકે છે તેના 123 પોઇન્ટ છે અને જીતની ટકાવારી 60.29 છે. જ્યારે શ્રીલંકાના 64 પોઇન્ટ છે અને જીતની ટકાવારી 53.33 છે.