/indian-express-gujarati/media/media_files/2026/01/19/saurashtra-team-2026-01-19-16-38-43.jpg)
Vijay Hazare Trophy 2025/26 : વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ રનર્સ અપ બની હતી Photograph: (Saurashtra Cricket Association)
Vijay Hazare Trophy 2025/26 : વિજય હઝારે ટ્રોફી સમાપ્ત થઇ ગઇ છે. ફાઇનલમાં વિદર્ભે સૌરાષ્ટ્ર સામે 38 રને વિજય મેળવ્યો હતો. વિદર્ભે 50 ઓવરમાં 8 વિકેટે 317 રન બનાવ્યા હતા. જવાબમાં સૌરાષ્ટ્ર 48.5 ઓવરમાં 279 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભલે સૌરાષ્ટ્ર વિજેતા બનવા સફળ રહ્યું ન હોય પણ તેના 6 પ્લેયર ટૂર્નામેન્ટમાં છવાઇ ગયા છે. જે ભવિષ્યમાં ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી કરી શકે છે. વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર સૌરાષ્ટ્રના 6 પ્લેયર વિશે વાત કરીશું.
હાર્વિક દેસાઇ
સૌરાષ્ટ્રનો 26 વર્ષીય કેપ્ટન અને ઓપનર હાર્વિક દેસાઇ વિજય હઝારે ટ્રોફી 2025-26માં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર્સની યાદીમાં ત્રીજા સ્થાને રહ્યો છે. તેણે 10 મેચમાં 64.55ની એવરેજથી 581 રન બનાવ્યા હતા. તેનો બેસ્ટ સ્કોર 110 રન રહ્યો હતો. તેણે 3 સદી અને 3 અડધી સદી ફટકારી હતી. 68 ફોર અને 11 સિક્સર ફટકારી હતી.
અંકુર પવાર
સૌરાષ્ટ્રનો 26 વર્ષીય અંકુર પવાર વિજય હઝારે ટ્રોફી 2025-26માં સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર રહ્યો હતો. તેણે 10 મેચમાં 25 વિકેટ ઝડપી હતી. જેમાં બેસ્ટ પ્રદર્શન 27 રનમાં 5 વિકેટ રહ્યું હતું. ટૂર્નામેન્ટમાં 90.5 ઓવરમાં 5.86ની ઇકોનોમી રેટથી 533 રન આપ્યા હતા.
વિશ્વરાજ જાડેજા
સૌરાષ્ટ્રના 27 વર્ષીય ઓપનર વિશ્વરાજ જાડેજાએ પણ વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 10 મેચમાં 60.55ની એવરેજથી 545 રન ફટકાર્યા હતા. તેણે 3 સદી અને 2 અડધી સદી ફટકારી હતી. તેનો બેસ્ટ સ્કોર અણનમ 165 રન રહ્યો હતો. તેણે 61 ફોર અને 9 સિક્સર ફટકારી હતી.
સમર ગજ્જર
મિડલ ઓર્ડરમાં રમતા 22 વર્ષીય સમર ગજ્જરે પણ પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. સમરે 10 મેચમાં 75.83મી એવરેજથી 455 રન બનાવ્યા હતા. જેમાં 2 સદી અને 1 અડધી સદી ફટકારી હતી. તેનો બેસ્ટ સ્કોર 147 રન રહ્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં 42 ફોર અને 13 સિક્સર ફટકારી હતી. તેણે 2 વિકેટ પણ ઝડપી હતી.
આ પણ વાંચો - ભારત વિ ન્યૂઝીલેન્ડ વચ્ચે હવે પાંચ મેચની ટી 20 શ્રેણી રમાશે, જાણો કાર્યક્રમ અને કેટલા વાગ્યે શરુ થશે મેચ
પ્રેરક માંકડ
31 વર્ષીય પ્રેરક માંકડ પણ વિજય હઝારે ટ્રોફી 2025-26માં છવાયો હતો. પ્રેરકે આ ટૂર્નામેન્ટમાં 10 મેચમાં 49.88ની એવરેજથી 449 રન બનાવ્યા હતા. તેનો બેસ્ટ સ્કોર 88 રન રહ્યો હતો. તેણે 5 અડધી સદી ફટકારી હતી. ફાઇનલમાં શાનદાર 88 રનની ઇનિંગ્સ રમ્યો હતો પણ ટીમની જીતાડી શક્યો ન હતો. ટૂર્નામેન્ટમાં 51 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. તેણે 7 વિકેટ પણ ઝડપી હતી.
ચેતન સાકરીયા
ભારત તરફથી 1 વન ડે અને 2 ટી 20 મેચ રમી ચુકેલા ચેતન સાકરીયાએ પણ દમદાર પ્રદર્શન કર્યું હતું. ચેતને 8 મેચમાં 17 વિકેટ ઝડપી હતી. તેનું બેસ્ટ પ્રદર્શન 60 રનમાં 4 વિકેટ રહ્યું હતું. તેણે ટૂર્નામેન્ટમાં 74 ઓવરમાં 6.31ની ઇકોનામીથી 467 રન આપ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us