ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી જ્યારે 17 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે વિરાટ કોહલીને આ ઘટના વિશે પૂછવામાં આવ્યું તો તે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. વિરાટ કોહલીએ જણાવ્યું કે, તે દરમિયાન તે દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાનમાં દિલ્હી અને કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફી મેચ રમી રહ્યો હતો. તે 40 રને અણનમ રહ્યો હતો અને બીજા દિવસે તેને બેટિંગ કરવા જવું પડ્યું હતું. તે સમયે ટીમ પર હારનો ખતરો હતો અને આવી સ્થિતિમાં આખી ટીમની નજર વિરાટ કોહલી પર હતી. દિવસની રમત પૂરી કરીને વિરાટ જ્યારે હોટલના રૂમમાં પહોંચ્યો ત્યારે અચાનક રાત્રે ત્રણ વાગ્યે તેને ઘરેથી ફોન આવ્યો.
વિરાટે કહ્યું કે, પરિવારના સભ્યોએ કહ્યું કે, તેના પિતાનું બ્રેઈન સ્ટ્રોકના કારણે નિધન થયું છે. તેથી શક્ય તેટલી વહેલી તકે ઘરે આવવાનો પ્રયાસ કર. આ સાંભળીને વિરાટ તરત જ ઘરે આવી ગયો. પરંતુ હવે તેની સામે સૌથી મોટો પડકાર એ હતો કે, શું તેણે આવી સ્થિતિમાં પરિવાર સાથે રહેવું જોઈએ કે પછી ટીમ માટે રમવા જવું જોઈએ.
તેથી તેણે રમવા જવાનું નક્કી કર્યું. વિરાટ કહે છે કે, તે તેની કાર દ્વારા જતો હતો જ્યાં તે રસ્તામાંથી ઈશાંત શર્માને પીકઅપ કરતો જતો હતો. જ્યારે પણ તે ઈશાંતને મળ્યો ત્યારે તે એકદમ શાંત અને આનંદથી ભરપૂર રહેતો હતો.
પરંતુ તે દિવસે તે શાંત હતો, ઇશાંતે તેને પૂછ્યું કે આજે આટલો શાંત કેમ છે, તેના પર કોહલીએ તેને કહ્યું કે અચાનક તેના પિતાનું અવસાન થયું છે. આ સાંભળીને ઈશાંત શર્મા પણ ચોંકી ગયો હતો. ઈશાંતે ટીમના અન્ય સભ્યોને પણ આ અંગે જાણ કરી હતી.
આ પણ વાંચો – Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યો
આના પર બધાએ કોહલીને ઘરે જવાની સલાહ આપી પરંતુ કોહલીએ ઘરને બદલે મેદાનમાં જવાનું વધુ સારું માન્યું. વિરાટે મેદાનમાં આવીને 90 રનની ઇનિંગ રમીને ટીમને ફોલોઓનથી બચાવી હતી. આ પછી વિરાટે ઘરે જઈને પિતાના અંતિમ સંસ્કાર કર્યા.