IPL 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) ની શરૂઆત અંગે એક મોટી અપડેટ આપી છે. સમાચાર એજન્સી ANI દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે IPL 2025 23 માર્ચથી શરૂ થશે. આઈપીએલ અંગે આ મોટું અપડેટ બીસીસીઆઈની ખાસ સામાન્ય સભા પછી આવ્યું છે. જોકે હજુ સુધી શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી.
મુંબઈમાં બીસીસીઆઈની આ બેઠકમાં સેક્રેટરી અને કોષાધ્યક્ષની પસંદગી કરવામાં આવી હતી. દેવજીત સૈકિયાને બીસીસીઆઈના નવા સેક્રેટરી તરીકે ચૂંટવામાં આવ્યા અને પ્રભતેજ સિંહ ભાટિયાને બીસીસીઆઈના ખજાનચી તરીકે ચૂંટવામાં આવ્યા છે. બંને બિનહરીફ ચૂંટાયા હતા. અગાઉ નવેમ્બર 2024 ના અંતમાં સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 2 દિવસની મેગા હરાજી યોજાઈ હતી.
ઋષભ પંત સૌથી મોંઘો ખેલાડી
ઋષભ પંતે IPL હરાજીના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ બનાવ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સે તેને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગયા વર્ષે શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ ચેમ્પિયન બન્યું હતું. તેને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આનાથી તે લીગના ઇતિહાસમાં બીજા ક્રમનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.
વેંકટેશ ઐયર સૌથી મોંઘો ઓલરાઉન્ડર
વેંકટેશ ઐયરને KKR એ 23.75 કરોડ રૂપિયામાં ફરીથી ખરીદ્યો હતો. આનાથી તે IPL ઇતિહાસનો સૌથી મોંઘો ઓલરાઉન્ડર બન્યો હતો. રાજીવ શુક્લાએ મહિલા પ્રીમિયર લીગ અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપી. WPL ની ત્રીજી સીઝન 2025 માં રમાશે. તેમણે કહ્યું કે WPL માટેના સ્થળો લગભગ નક્કી થઈ ગયા છે. આની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. રાજીવ શુક્લા પણ WPL સમિતિની બેઠકનો ભાગ હતા.





