T20 World Cup West Indies vs Ireland: ટી-20 વર્લ્ડ કપ 2022માં શુક્રવારે મોટો અપસેટ જોવા મળ્યો હતો. બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝની ટીમ સુપર-12 માટે ક્વોલિફાય કરી શકી નથી. તેનો ગ્રુપ સ્ટેજના અંતિમ મુકાબલામાં આયરલેન્ડ સામે 9 વિકેટે પરાજય થયો હતો. આ જીત સાથે આયરલેન્ડે ગ્રુપ બીમાંથી સુપર-12માં સ્થાન બનાવ્યું છે.
વેસ્ટ ઇન્ડીઝ ટી-20 વર્લ્ડ કપ 2022માં ગ્રુપ સ્ટેજમાં 3 મેચ રમ્યું હતું. જેમાં ફક્ત એક મેચ જીતી શક્યું છે. બે મેચમાં પરાજય થયો છે. આયરલેન્ડે 3 માંથી 2 મેચ જીતીને સુપર-12માં સ્થાન બનાવ્યું છે. આયરલેન્ડની ટીમ અપસેટ સર્જવામાં માહેર છે. તેણે 2007માં વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. આ જ રીતે 2011ના વન-ડે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને બહાર કરી દીધું હતું.
હોબાર્ટના બેલેરિવ ઓવલ મેદાન પર રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કર્યું હતું. વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 5 વિકેટે 146 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા આયરલેન્ડે 17.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
આ પણ વાંચો – ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની મજા વરસાદ બગાડશે? મેલબોર્નમાં 23 ઓક્ટોબરે કેવું રહેશે મોસમ, જાણો
આયરલેન્ડ તરફથી ઓપનર પોલ સ્ટર્લિંગે 6 ફોર અને 2 સિક્સરની મદદથી 48 બોલમાં અણનમ 66 રનની ઇનિંગ્સ રમી હતી. વિકેટકીપર લોર્કન ટકરે 35 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા. તેણે 2 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. બન્નેએ બીજી વિકેટ માટે 60 બોલમાં અણનમ 77 રનની ભાગીદારી નોંધાવી હતી. કેપ્ટન એન્ડ્રયુ બાલબર્ની 3 ફોર અને 3 સિક્સરની મદદથી 23 બોલમાં 37 રન બનાવી અકીલ હોસેનનો શિકાર બન્યો હતો.
આ પહેલા વેસ્ટ ઇન્ડીઝની તરફથી બ્રેડન કિંગ 6 ફોર અને એક સિક્સરની મદદથી 48 બોલમાં 62 રન બનાવી અણનમ રહ્યો હતો. ઓડિયન સ્મિથે 12 બોલમાં અણનમ 19 રન બનાવ્યા હતા. જોહાસન ચાર્લ્સે 18 બોલમાં 24 રન બનાવી આઉટ થયો હતો.
આયરલેન્ડ તરફથી ગેરેથ ડેલાનીએ 4 ઓવરમાં 16 રન આપી 3 વિકેટ ઝડપી હતી. સિમી સિંહે 2 ઓવરમાં 11 રન આપી 1 વિકેટ ઝડપી હતી. બેરી મેકકાર્થી 1 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો.