Women’s IPL Media Rights : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે સોમવારે જાહેરાત કરી કે વાયકોમ 18એ (Viacom 18) આગામી મહિલા આઈપીએલના મીડિયા અધિકારોને પાંચ વર્ષ માટે 951 કરોડમાં ખરીદી લીધા છે. બીસીસીઆઈએ સોમવારે મુંબઈમાં મહિલા ટી-20 લીગ (Women T20 League) માટે મીડિયા રાઇટ્સ માટે હરાજી કરી હતી. હરાજીમાં વાયકોમ 18એ ડિઝ્ની સ્ટાર અને સોની સહિત અન્ય બોલી લગાવનારને પાછળ રાખી દીધા હતા.
આગામી પાંચ વર્ષ સુધી પ્રતિ મેચ ફી 7.09 કરોડ રૂપિયા આવશે
મહિલા આઈપીએલના મીડિયા રાઇટ્સ વૈશ્વિક રીતે 3 કેટેગરી ટીવી, ડિજિટલ અને સંયુક્ત રુપથી ટીવી અને ડિજિટલમાં વેચવામાં આવ્યા હતા. આઈપીએલની ફોર્મેટ હજુ સુધી સાર્વજનિક કરવામાં આવી નથી પણ જય શાહના મતે આગામી પાંચ વર્ષ સુધી પ્રતિ મેચ ફી 7.09 કરોડ રૂપિયા આવશે. આ આંકડો પાકિસ્તાન સુપર લીગની પ્રતિ મેચ ફી થી લગભગ ત્રણ ગણો વધારે છે. પીએસએલમાં પ્રતિ મેચ ફી 2.44 કરોડ રૂપિયા છે.
મેન્સ આઈપીએલમાં પ્રતિ મેચ ફી 107.5 કરોડ રૂપિયા
મેન્સ આઈપીએલની વાત કરવામાં આવે તો આ રકમ પ્રતિ મેચ ફી 107.5 કરોડ રૂપિયા છે. પુરુષ આઈપીએલમાં પ્રતિ મેચ ફી દુનિયામાં કોઇ પણ રમતની લીગમાં બીજા નંબરે છે. પ્રથમ નંબરે અમેરિકાની ફૂટબોલ લીગ એટલે નેશનલ ફૂટબોલ લીગ છે.
આ પણ વાંચો – કોહલીએ ફક્ત 268 મેચમાં ફટકારી 46મી સદી, સચિન તેંડુલકરને 49 સદી ફટકારવામાં લાગી હતી 462 મેચ, જાણો શું છે કારણ
મહિલા અને પુરુષ આઈપીએલના મીડિયા રાઇટ્સમાં બે મોટા અંતર છે. પ્રથમ મહિલા આઈપીએલ માટે કોઇ મૂળ રકમ નક્કી કરવામાં આવી નથી. બીજુ મહિલા આઈપીએલના મીડિયા રાઇટ્સ ફક્ત એક કંપનીએ મેળવ્યા છે. જ્યારે પુરુષ આઈપીએલના મીડિયા રાઇટ્સની શ્રેણી અલગ-અલગ કંપનીઓ પાસે ગયા હતા.