Womens World Cup 2025 : મહિલા વર્લ્ડ કપ 2025 વચ્ચે મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાંથી એક મોટી ઘટના સામે આવી છે. શનિવારે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો રમાવાનો છે. આ પહેલા સમાચાર સામે આવ્યા છે કે બાઈક પર સવાર એક બદમાશે રસ્તા પર બે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરોની છેડતી કરી છે. આ કેસમાં પોલીસે ઈન્દોરના આઝાદ નગરના રહેવાસી અકીલને દોષી ઠેરવ્યો છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે.
બંને ખેલાડીઓ ચાલીને જઇ રહી હતી ત્યારે ઘટના બની
આ મામલે વધુ માહિતી સામે આવ્યા બાદ જાણવા મળ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ રેડીસન હોટલમાં રોકાઈ હતી.જ્યાં નજીકમાં એક કાફે છે જ્યાં બંને ખેલાડીઓ ચાલીને જઇ રહી હતી. આ દરમિયાન બાઇક સવાર અકીલ આવે છે અને બંને ક્રિકેટરોની છેડતી કરવાનું શરૂ કરે છે. આ પછી રસ્તા પર હાજર એક વ્યક્તિએ તેની બાઇકનો નંબર નોંધી લીધો હતો. જ્યારે એક કાર સવારે પોલીસને જાણ કરી હતી.
આ મામલામાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમના સિક્યોરિટી મેનેજર ડેની સિમંસે એમઆઇજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અકીલની ધરપકડ કરી હતી. રસ્તા પરના સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદની તપાસ કરવામાં આવી હતી અને આરોપીને છેડતી, ખોટી રીતે સ્પર્શ કરવા અને પીછો કરવા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – મહિલા વર્લ્ડ કપ 2025 : સ્મૃતિ મંધાનાની ન્યૂઝીલેન્ડ સામે 88 બોલમાં સદી, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
છેલ્લી લીગ મેચ દક્ષિણ આફ્રિકા સામે
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. તેની છેલ્લી લીગ મેચ શનિવારે ઈન્દોરમાં દક્ષિણ આફ્રિકા સામે છે. આ મેચ બાદ ઓસ્ટ્રેલિયા ભારત કે ઈંગ્લેન્ડ સામે સેમિ ફાઈનલ રમશે તે નક્કી થશે. જો ઓસ્ટ્રેલિયા આ મેચ જીતશે તો તેઓ 29મી ઓક્ટોબરે ગુવાહાટીમાં રમાનારી સેમિ ફાઈનલમાં ભારત સામે રમશે. જો તેઓ હારી જશે તો તારીખ 30મી ઓક્ટોબરે રમાનારી સેમિ ફાઈનલમાં તેમનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે.





