/indian-express-gujarati/media/media_files/2026/01/10/wpl-2026-ggw-vs-upww-score-2026-01-10-18-46-16.jpg)
GGW vs UPWW Match Updates : મહિલા પ્રીમિયર લીગ 2026ની બીજી મેચમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સ સામે વિજય
GGW vs UPWW Match Updates : મહિલા પ્રીમિયર લીગ 2026ની બીજી મેચમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સ સામે 10 રને વિજય મેળવી જીત સાથે અભિયાનની શરુઆત કરી છે. નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં યુપી વોરિયર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 4 વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં યુવી વોરિયર્સ 20 ઓવરમાં 8 વિકેટે 197 રન બનાવી શક્યું હતું.
એશ્લે ગાર્ડનરના 41 બોલમાં 65 રન
ગુજરાત જાયન્ટ્સ તરફથી એશ્લે ગાર્ડનરે 41 બોલમાં 65 રન અને અનુષ્કા શર્માએ 30 બોલમાં 44 રન બનાવ્યા. સોફી ડિવાઈને 20 બોલમાં 38 રન અને બેથ મૂનીએ 13 રન બનાવ્યા હતા. જ્યોર્જિયા વેરહામ 27 અને ભારતી ફુલમાલી 14 રન બનાવી અણનમ રહી હતી. UP વોરિયર્સ તરફથી સોફી એક્લેસ્ટોને 2 વિકેટ ઝડપી હતી. શિખા પાંડે અને ડિએન્ડ્રા ડોટિને એક-એક વિકેટ લીધી હતી.
ફોબી લિચફિલ્ડના 78 રન
યુપી વોરિયર્સ તરફથી ફોબી લિચફિલ્ડે 78 રન બનાવ્યા હતા. આ સિવાય મેગ લેનિંગે 30, શ્વેતા શેરાવતે 25, ડિએન્ડ્રા ડોટિને 12 અને શોપી એક્લેસ્ટોને 11 રન બનાવ્યા હતા. આશા શોબાના 27 અને શિખા પાંડે 1 રન બનાવી અણનમ રહી હતી. ગુજરાત જાયન્ટ્સ તરફથી રેણુકા ઠાકુર, સોફી ડિવાઇન અને જ્યોર્જિયા વેરહામે 2-2 વિકેટ ઝડપી હતી. એશ્લે ગાર્ડનર અને રાજેશ્વરી ગાયકવાડે 1-1 વિકેટ ઝડપી હતી.
અમે અહીં સ્પર્ધા જીતવા માટે આવ્યા છીએ - માઈકલ ક્લિંગર
ગુજરાત જાયન્ટસના મુખ્ય કોચ માઈકલ ક્લિંગરે કહ્યું હતું કે ઇતિહાસમાં પહેલી વાર WPL ના પ્લેઓફ માટે ક્વોલિફાય થવું ગુજરાત માટે એક શાનદાર સિદ્ધિ હતી, પરંતુ આ સિઝન એક નવી શરૂઆત છે. દરેક ટીમ સમાન રમતના મેદાન પર શરૂઆત કરે છે અને સારી શરૂઆત કરવી મહત્વપૂર્ણ છે કારણ કે, તે ટીમમાં આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. અમે અહીં સ્પર્ધા જીતવા માટે આવ્યા છીએ, અને સાથે સાથે અહીં આ પ્રવાસનો આનંદ માણવા અને ખેલાડીઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ છીએ.
તેમણે કહ્યું કે આગામી મહિનામાં અમારું લક્ષ્ય દરેક ખેલાડી માટે છે કે તેઓ આ ટુર્નામેન્ટમાં આવ્યા હતા તેના કરતા વધુ સારા ક્રિકેટર તરીકે સિઝન પૂર્ણ કરે. છેલ્લા ચાર કે પાંચ દિવસમાં ગ્રુપે જે રીતે તાલીમ લીધી છે, મને કોઈ શંકા નથી કે જાયન્ટ્સ માટે પરિણામો અને વ્યક્તિગત વિકાસ બંને દ્રષ્ટિએ આ સિઝન સફળ રહેશે.
ટીમના કોમ્બિનેશન વિશે શું કહ્યું
ટીમના કોમ્બિનેશન વિશે ક્લિંગરે કહ્યું કે શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન પસંદ કરતી વખતે અમને સિલેક્શન માટે કેટલીક મુશ્કેલી પડશે અને તે હંમેશા એક સારી વાત છે. અમારી પાસે ખરેખર ટીમમાં ઊંડાણ અને ઘણા વિકલ્પો છે, ખાસ કરીને ટીમમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા ઓલરાઉન્ડરોની સંખ્યા મામલે. જ્યારે આપણે છેલ્લા કેટલાક સિઝનમાં સૌથી સફળ ટીમો પર નજર કરીએ છીએ, ત્યારે એક સામાન્ય પરિબળ તરીકે પણ ઓલરાઉન્ડરોની મજબૂત હાજરી હતી. સોફી ડિવાઇન અને કિમ ગાર્થ જેવા ખેલાડીઓને બોલિંગ ઓલરાઉન્ડર તરીકે લાવવાથી અમને વધુ મજબૂતાઈ મળી છે.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપની ટીમમાં પસંદગી ન થવા અંગે શુભમન ગિલનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત જાયન્ટ્સ : સોફી ડિવાઇન, બેથ મૂની, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, અનુષ્કા શર્મા, કનિકા આહુજા, ભારતી ફુલમાલી, કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર.
યુપી વોરિયર્સ : ડીઆન્ડ્રા ડોટિન, મેગ લેનિંગ (કેપ્ટન), ફોબી લિચફિલ્ડ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, કિરણ નવગીરે, શ્વેતા સેહરાવત, આશા શોભના, સોફી એક્લેસ્ટોન, શિખા પાંડે, ક્રાંતિ ગૌડ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us