Wrestlers in Supreme Court: દેશના સ્ટાર પહેલવાનોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલ્યો છે. નવી દિલ્હીના જંતર-મંતર ખાતે 23 એપ્રિલથી કુસ્તીબાજો ધરણા પર બેઠા છે. આ ખેલાડીઓનું કહેવું છે કે દિલ્હી પોલીસમાં સાત મહિલા ખેલાડીઓએ બ્રિજ ભૂષણ વિરૂદ્ધ જાતીય સતામણીની ફરિયાદ કરી છે પરંતુ એફઆઈઆર નોંધવામાં આવી નથી. આ પછી પહેલવાનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. કોર્ટમાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પહેલવાનોનો પક્ષ રાખ્યો હતો.
કપિલ સિબ્બલે પહેલવાનોનો પક્ષ રાખ્યો
કપિલ સિબ્બલે યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાઓનો પક્ષ રાખતા કહ્યું કે આ મહિલાઓ રેસલર છે. તેમાંથી એક સગીરા પણ છે. કમિટીના રિપોર્ટને સાર્વજનિક કરવામાં આવ્યો નથી. FIR પણ નોંધવામાં આવી નથી. તેના જવાબમાં સીજેઆઈએ કહ્યું કે અમને કેસના પેપર્સ દેખાડો આ સેક્શન 156ની અંદર આવે છે.
સિબ્બલે કહ્યું કે અહીં એક વ્યક્તિ પર યૌન શોષણના આરોપ છે. તમે સગીરાની ફરિયાદ જુઓ. તેણે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેનાથી આગળનું તમે વાંચી લો. હું જાહેરમાં વાંચીશ નહીં. કેસ ન નોંધવા બદલ પોલીસને પણ દોષિત ઠેરવવી જોઈએ.
આ પણ વાંચો – WFIના પ્રમુખ બ્રિજ ભૂષણ સામે સગીરા સહિત 7 મહિલા ખેલાડીઓએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો
કોર્ટે દિલ્હી પોલીસને પાઠવી નોટિસ
કપિલ સિબ્બલની વાત સાંભળ્યા પછી કોર્ટે પોતાનો ઓર્ડર જાહેર કર્યો હતો. તેમણે ઓર્ડરમાં કહ્યું કે ફરિયાદીઓના સાચા નામોને બદલે બદલાયેલા નામો બતાવવામાં આવશે. ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકેલ આ રેસલર્સે યૌન શોષણના ગંભીર આરોપો લગાવ્યા છે. આ મુદ્દે કોર્ટે ધ્યાન આપવું જરૂરી છે. દિલ્હી પોલીસને નોટિસ આપી રહ્યા છીએ. શુક્રવારે તેમણે જવાબ આપવો પડશે. ફરિયાદો જે સીલ બંધ કવરમાં છે તેને ફરીથી સીલ કરવામાં આવશે.
સિબ્બલે અંતમાં એ પણ માંગણી કરી કે 166A CrPC અમેંડમેંટ પછી જો દિલ્હી પોલીસ કેસ નોંધશે નહીં તો તે પણ દોષિત હશે. સીજેઆઈએ તેમની વાત માની લીધી.