ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સાત મહિલા કુસ્તીબાજોએ તેમના પર જાતીય સતામણીનો આરોપ લગાવીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. નવી દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જે મહિલાઓએ બ્રિજ ભૂષણ સામે ફરિયાદ નોધાવી છે તેમાં એક સગીરા પણ છે, આવામાં પોસ્કો એક્ટ પણ બને છે. દિલ્હીના મહિલા આયોગમાં પણ તેના વડા સ્વાતિ માલીવાલે ફરિયાદ નોંધાવી છે. નાયબ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં માલીવાલે માંગ કરી હતી કે બ્રિજ ભૂષણ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે.
રેસલર્સ જંતર-મંતર ખાતે ધરણા કરી ફરી વિરોધ શરૂ કરવા તૈયાર
બ્રિજ ભૂષણ સામે કાર્યવાહીની માગણી સાથે રેસલર્સે રવિવારે નવી દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણા કરી ફરી વિરોધ શરૂ કરવા તૈયાર છે. ઓલિમ્પિક મેડાલિસ્ટ બજરંગ પુનિયાએ ANIને કહ્યું કે હા, ચોક્કસ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અન્ય એક કુસ્તીબાજે કહ્યું કે અમે આ પગલું ભર્યું છે કારણ કે અમે રમતગમત મંત્રાલયમાં અમારો વિરોધ નોંધાવ્યો ત્યારથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એક કુસ્તીબાજએ કહ્યું કે અમે હવે પોલીસ વધુ કાર્યવાહી કરે તેની રાહ જોઈ રહ્યા છીએ.
આ પણ વાંચો – પોતાની બાયોપિકમાં કોહલી કોને બનાવવા માંગે છે હિરો, ધોની પાસેથી શું ચોરી કરવા માગે છે, જાણો
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે તેમને ફરિયાદ મળી છે અને ઉમેર્યું કે એફઆઈઆર દાખલ કરતા પહેલા તેઓએ તેમની તપાસ શરૂ કરી દીધી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમને કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળી છે અને એફઆઈઆર નોંધાવતા પહેલા અમે તપાસ કરી રહ્યા છીએ. યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
ત્રણ મહિના થઇ ગયા છે પણ હજુ સુધી અમને ન્યાય મળ્યો નથી – વિનેશ ફોગાટ
પ્રેસ કોન્ફરન્સમાં વિનેશ ફોગાટે કહ્યું કે ત્રણ મહિના થઇ ગયા છે પણ હજુ સુધી અમને ન્યાય મળ્યો નથી. જેથી અમે ફરીથી ધરણા કરી રહ્યા છીએ. અમે ન્યાય માંગીએ છીએ. અમે ત્રણ મહિનાથી માનસિક રીતે પરેશાન છીએ. અમે અમારું ઘર-પરિવાર બધું દાવ પર લગાવીને અહીં આવ્યા છીએ. આ અમારી યુવતીઓના સન્માનની વાત છે. અમે એ આશા પર છીએ કે અમને ન્યાય મળશે.
સાક્ષી મલિકે કહ્યું કે સાત યુવતીઓએ સીપીના પોલીસ સ્ટેશનમાં બ્રિજ ભૂષણ સિંહ સામે યૌનશોષણનો આરોપ લગાવ્યો છે. જોકે હજુ સુધી એફઆઈઆર નોંધવામાં આવી નથી. ફરિયાદ કરનારમાં એક સગીરા પણ છે જેનો પોસ્કો એક્ટ બને છે છતા કશું થઇ રહ્યું નથી.
સાક્ષી મલિકે કહ્યું કે તેમને તપાસ કમિટીના રિપોર્ટ વિશે કશું બતાવવામાં આવ્યું નથી. બધાને લાગે છે કે અમે ખોટા હતા, અમારી ફરિયાદ ખોટી હતી. અમને સહન થતું નથી. જેથી અમે અહીં આવ્યા છીએ. અમે અહીં જ રહીશું, જ્યાં સુધી તેમની ધરપકડ કરવામાં ન આવે.