scorecardresearch

ધરણા કરી રહેલા રેસલર્સના 5 દિવસમાં ખર્ચ થયા 6 લાખ રૂપિયા, પરિવારના લોકો ઉઠાવી રહ્યા છે બધો ખર્ચ

Wrestlers Protest : વિરોધ કરી રહેલા રેસલર્સે શરૂઆતમાં ગાદલાં, ચાદરો અને સાઉન્ડ સિસ્ટમ ભાડે લીધી હતી. જેના માટે તેમને દરરોજ 27,000 રૂપિયા ખર્ચવા પડતા હતા

Wrestlers Protest
દિલ્હીના જંતર મંતર ખાતે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા ધરણા કરી રહ્યા છે. (ફાઇલ ફોટો )

Wrestlers Protest : રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવાની માંગણી સાથે જંતર-મંતર પર ધરણા કરી રહેલા રેસલર્સને મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી મોંઘી પડી રહી છે. ઘણો ખર્ચ થઇ રહ્યો હોવા છતાં કુસ્તીબાજો દિલ્હીમાં ધરણા સ્થળ પર લાંબી લડાઈ લડવા માટે તૈયાર છે. રેસલર્સે બ્રિજભૂષણ પર જાતીય સતામણી અને ધાકધમકીનો આરોપ લગાવ્યો છે. રેસલર્સે પાંચ દિવસમાં નાના જનરેટર ઉપરાંત, ગાદલા, ચાદરો, પંખા, સ્પીકર્સ, માઇક્રોફોન, પાણી અને ખોરાકની વ્યવસ્થા કરવા પાછળ 5-6 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. તેમને કોઇ રાજકીય પાર્ટીની મદદ મળી રહી નથી. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના પરિવાર ખર્ચ ઉઠાવી રહ્યા છે.

વિરોધ કરી રહેલા રેસલર્સે શરૂઆતમાં ગાદલાં, ચાદરો અને સાઉન્ડ સિસ્ટમ ભાડે લીધી હતી. જેના માટે તેમને દરરોજ 27,000 રૂપિયા ખર્ચવા પડતા હતા. કુસ્તીબાજોને લાગ્યું કે જો તેમને લાંબા સમય સુધી બેસવું પડશે તો નાની વસ્તુઓની વ્યવસ્થા કરવી એ એક મોટો આર્થિક બોજ બની જશે. વિનેશ ફોગાટના પતિ સોમવીર રાઠીએ પીટીઆઈને જણાવ્યું કે તેથી અમે ગાદલાં ખરીદવાનું નક્કી કર્યું છે. મેં મારા ગામ ખરખૌદાથી 50,000 રૂપિયામાં 80 ગાદલા ખરીદ્યા. ગાદલાં માટે અમારી પાસેથી રોજના 12,000 રૂપિયા લેવામાં આવતા હતા. તે ઘણી મોટી રકમ છે.

પંખા અને જનરેટર્સ હજુ પણ ભાડે છે

સોમવીરે જણાવ્યું કે શરૂઆતમાં અમે સ્પીકર્સ અને માઇક્રોફોન ભાડે રાખ્યા હતા પરંતુ એક દિવસની કિંમત 12,000 રૂપિયા હતી. તે વધારે પડતી હતી. હવે અમે ચાંદની ચોક માર્કેટમાંથી અમારી સાઉન્ડ સિસ્ટમ 60,000 રૂપિયામાં ખરીદી છે. દુકાનદાર કુસ્તીબાજો વિશે જાણતો હતો તેથી તેણે કોઈ નફો કર્યા વિના તે અમને વેચી દીધી. પંખા અને જનરેટર હજુ પણ ભાડા પર છે. બંનેના રોજના 10 હજાર રૂપિયા ખર્ચ કરવા પડે છે.

આ પણ વાંચો – રેસલર્સના વિરોધ પર ભાજપના સાંસદ સામે કોઈ કાર્યવાહી નહીં, હરિયાણામાં પડ્યા પડઘા, ઉઠી રહ્યા છે વિરોધના સૂર

હું 2 લાખ રૂપિયા રોકડા લાવ્યો હતો

સોમવીરે કહ્યું કે જો જરૂર પડશે તો અમે કૂલર ખરીદીશું. બહાર ખૂબ ગરમી છે. અમે અમારી સાથે 2 લાખ રૂપિયા રોકડા લાવ્યા હતા, પરંતુ અત્યાર સુધીમાં લગભગ 5-6 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. વિનેશ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા વિરોધના ચહેરા છે. સોમવીર, તેનો મિત્ર યોગેશ (ભારત કેસરી) અને અન્ય ઘણા લોકો દિવસ-રાત વિરોધ પ્રદર્શન ચાલુ રાખવા માટે કામ કરી રહ્યા છે.

રેસલર્સે કામની અંદરોઅંદર વહેંચણી કરી

સોમવીરે કહ્યું કે અમે કામને અંદરોઅંદર વિભાજિત કરી દીધા છે. કેટલાક કોચ એ બાબતની તકેદારી રાખી રહ્યા છે કે ગુણવત્તાયુક્ત ભોજન તૈયાર થાય, જ્યારે યુવા કુસ્તીબાજો ધરણા સ્થળ પર ભોજન પહોંચાડી રહ્યા છે. કેટલાક લોકો સુનિશ્ચિત કરી રહ્યા છે કે પાણીનો પુરવઠો અવિરત છે. કોઈને સ્વચ્છતાનું ધ્યાન રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. સુરક્ષાકર્મીઓ પણ અમારી મદદ કરે છે.

લગભગ 80 અખાડાઓ જંતર-મંતર પર આવવા માંગે છે

સોમવીરે એમ પણ કહ્યું કે હરિયાણાના વિવિધ અખાડાઓના પ્રતિનિધિઓને અહીં જંતર-મંતર પર ન આવવાનું કહેવામાં આવી રહ્યું છે કારણ કે વિશાળ ભીડને સંભાળવી ખૂબ જ પડકારજનક રહેશે. લગભગ 80 અખાડાઓ અહીં આવીને વિરોધ પ્રદર્શનમાં જોડાવા માંગે છે પરંતુ અમે તેમને અહીં આવતા અટકાવ્યા છે.

રાજકીય પક્ષો કે વગદાર લોકો પાસેથી આર્થિક મદદ મળતી નથી

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને કોઈ રાજકીય પક્ષ કે વગદાર લોકો પાસેથી આર્થિક મદદ મળી રહી છે? આ સવાલ પર સોમવીરે કહ્યું કે જો એવું હોત તો અહીં વોટરપ્રૂફ શેડ અને અહીં કેટલીક સારી સુવિધાઓ હોત, પરંતુ અમે ઓછામાં ઓછા સંસાધનો સાથે વસ્તુઓનું સંચાલન કરી રહ્યા છીએ. હાલ વિનેશ, સાક્ષી અને બજરંગના પરિવારજનો ખર્ચો આપી રહ્યા છે. અમે અત્યારે કોઈની મદદ લઈ રહ્યા નથી. અમે ખૂબ કાળજીપૂર્વક પૈસા ખર્ચ કરી રહ્યા છીએ. જે લોકો આવી રહ્યા છે તેઓ પોતાના ભોજનની વ્યવસ્થા જાતે કરી રહ્યા છે.

Web Title: Wrestlers protest against wfi chief brij bhushan sharan singh 6 lakh rupees spent in 5 days

Best of Express