સુખબીર સુવાચ : યૌન શોષણના આરોપોને લઈને ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજો દ્વારા ચાલી રહેલા ધરણાના પડઘા હરિયાણા અને આસપાસના વિસ્તારોમાં પડવા લાગ્યા છે. કારણ કે મોટાભાગના ખેલાડીઓ ગ્રામીણ, ખેડૂત પરિવારોમાંથી આવે છે. હરિયાણામાં સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શનો યોજવાથી માંડીને ખાપ અને ખેડૂત નેતાઓના જૂથોએ હવે દિલ્હીમાં ઓલિમ્પિક મેડલ વિજેતાઓ સહિત ટોચના કુસ્તીબાજોના ધરણાંના વિરોધમાં જોડાવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે વધુ ખાપ વિરોધ સ્થળ પર તેમની સાથે જોડાવાની યોજના ધરાવે છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિકનો સમાવેશ થાય છે, જેઓ હરિયાણાની રહેવાસી છે.
આંદોલનકારી કુસ્તીબાજો સાથે એકતા વ્યક્ત કરતા હરિયાણાના જીંદ જિલ્લાના ખેડૂત નેતા આઝાદ સિંહ પાલવાએ કહ્યું, ડબ્લ્યુએફઆઈ પ્રમુખનો બચાવ કરવાને બદલે, ભાજપ સરકારે તેમની સામે તરત જ એફઆઈઆર નોંધાવવી જોઈતી હતી, કારણ કે તેમની સામે લગાવવામાં આવેલા આરોપો ગંભીર છે.
હરિયાણાના ગ્રામીણ વિસ્તારોમાં રમત ગમતનું મહત્વ સમજાવતાં પાલવાએ જણાવ્યું હતું કે દરેક મોટા ગામમાં દરરોજ 500થી વધુ યુવાનો અને બાળકો કોઇને કોઇ રમતની પ્રેક્ટિસ કરે છે. નાના ગામોમાં પણ આ સંખ્યા 50થી ઓછી નથી. પાલવાએ કહ્યું કે પ્રથમ હરિયાણા સરકારે મહિલા એથ્લેટિક્સ કોચની ફરિયાદ પર જાતીય સતામણીનો આરોપ લગાવતી એફઆઈઆર નોંધવા છતાં મંત્રી સંદીપ સિંહને હટાવ્યા ન હતા. આ કેસમાં મંત્રીની ધરપકડ પણ કરવામાં આવી ન હતી. હવે કુસ્તીબાજોને બ્રિજભૂષણ સામે એફઆઈઆર નોંધાવવા માટે ધરણા પર બેસવાની ફરજ પડી છે.
ખેડૂત નેતાઓ ઉપરાંત ખાપના નેતાઓએ પણ બ્રિજભૂષણ સામેના આક્ષેપો અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. કંડેલા ખાપના પ્રમુખ ઓમ પ્રકાશ કંડેલાએ જણાવ્યું હતું કે જો તેમની દીકરીઓને ત્યાં શોષણનો સામનો કરવો પડે તો તેઓ શિક્ષણ અથવા રમત ગમત માટે કોણ મોકલશે? આંદોલનકારી રમતવીરોને તેમના ચાલી રહેલા આંદોલનમાં અમે દરેક શક્ય સમર્થન આપીશું.
આ પણ વાંચો – આખરે ભાજપ કેમ નથી કરી રહ્યું બ્રિજભૂષણ સિંહ સામે કાર્યવાહી? જાણો રાજનીતિમાં કેવો છે દબદબો
જે લોકોએ 2020-21ના ખેડૂત આંદોલન પર બારીકાઈથી નજર રાખી છે તેઓનું કહેવું છે કે ખેલાડીઓની જાતીય સતામણી જેવા ગંભીર કેસોમાં ત્વરિત કાર્યવાહી ન થવાથી સમુદાયમાં એવી લાગણી ફરીથી જાગી શકે છે કે તેમની ફરિયાદોની હજુ પણ અવગણના કરવામાં આવી રહી છે. ઘણા માને છે કે ખાપ નેતાઓ દ્વારા આંદોલનકારી ખેલાડીઓને ટેકો આપવો એ સમુદાયના લોકોની વિશાળ ભાવનાઓનો સંકેત છે.
આઝાદ પાલવા કહે છે છેલ્લાં થોડાં વર્ષોમાં ગ્રામીણ વિસ્તારોમાં માતા-પિતાએ છોકરીઓને રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા પર ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેઓએ સારું પ્રદર્શન પણ કર્યું છે. આવી સ્થિતિમાં આરોપી સામે કડક કાર્યવાહીનો અભાવ ખોટો સંકેત આપે છે.
ગ્રામીણ વિસ્તારોમાં પ્રવર્તી રહેલી ભાવનાને પારખીને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક પહેલાથી જ દિલ્હીમાં ધરણા પ્રદર્શનમાં સામેલ થઈ ચુક્યા છે. આઈએનએલડી નેતા અભયસિંહ ચૌટાલાએ બુધવારે બજરંગ પુનિયાના માતા-પિતા સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો – IOA અધ્યક્ષ પીટી ઉષાએ રેસલર્સના ધરણાને અનુશાસનહીનતા ગણાવ્યા, બજંરગ પુનિયાએ નિરાશા વ્યક્ત કરી
આરોપી મંત્રી સંદીપ સિંહના કેસમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈની સામે આરોપો લગાવવા અને તેના કારણે એફઆઈઆર નોંધાવવી એ કોઈને દોષી સાબિત કરતું નથી. ખટ્ટરે અગાઉ જણાવ્યું હતું કે નૈતિક ધોરણે મંત્રીપદેથી રાજીનામું આપવું ત્યારે જ અમલમાં આવે છે જ્યારે સંબંધિત વ્યક્તિને લાગે કે તેણે ભૂલ કરી છે.
રાજ્ય સરકારે ખેલાડીઓને એ પણ યાદ અપાવ્યું છે કે રાજ્યોમાં હરિયાણા મેડલ જીતનારા ખેલાડીઓને સૌથી વધુ રોકડ ઇનામની રકમ આપે છે. ઓલિમ્પિયન માટે રાજ્ય સરકાર ગોલ્ડ મેડાલિસ્ટને રુપિયા 6 કરોડ, સિલ્વર મેડાલિસ્ટને રુપિયા 4 કરોડ અને બ્રોન્ઝ મેડાલિસ્ટને રુપિયા 2.5 કરોડનું રોકડ ઈનામ આપે છે.