KL Rahul in 2022: ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) માટે 2022નું વર્ષ ખાસ યાદગાર રહ્યું નથી. આ વર્ષે તે ઇજાથી પણ પરેશાન રહ્યો હતો. 2022ના અંતમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટનશિપ કરતા 2-0થી જીત મેળવી પણ બેટિંગમાં કોઇ કમાલ કરી શક્યો ન હતો. કેએલ રાહુલ આ વર્ષે 30 મેચ રમ્યો અને 25.68ની એવરેજથી 822 રન બનાવ્યા છે. આ વર્ષે તે એકપણ સદી ફટકારી શક્યો નથી. હવે 2023માં લગ્ન પછી શું કેએલ રાહુલનું નસીબ બદલી જશે?
જાન્યુઆરીમાં થઇ શકે છે લગ્ન
કેએલ રાહુલ લગ્નના કારણે 2023ની શરૂઆતમાં રમાનાર શ્રેણીમાં પસંદગી થશે નહીં. કેએલ રાહુલે આ માટે બોર્ડ પાસેથી પહેલા જ રજા માંગી લીધી છે. જે પછી તેની રજા સ્વીકારી લેવામાં આવી છે. કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન જાન્યુઆરીમાં થવાના છે પણ હજુ સુધી તારીખની જાહેરાત કરવામાં આવી નથી. શ્રીલંકા અને ભારત વચ્ચે શ્રેણી 3 જાન્યુઆરીથી શ્રેણી શરુ થવાની છે. આવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે લગ્ન આ દરમિયાન થશે.
લગ્ન પછી બદલાશે નસીબ?
કેએલ રાહુલ 2022ને જલ્દી ભૂલી 2023માં જવા માંગશે. 2023માં લગ્ન પણ થવાના છે. શ્રીલંકાના ભારત પ્રવાસ પછી ઓસ્ટ્રેલિયા ભારતનો પ્રવાસ કરશે. જેમાં ચાર ટેસ્ટ રમાવાની છે. આવામાં કેએલ રાહુલને કેટલોક સમય પોતાના ખાસ લોકો સાથે પસાર કરવા મળશે. જે પછી તે ટીમ સાથે એક અલગ એનર્જી સાથે જોડાશે. જે ભારતીય ટીમ માટે ફાયદાકારક રહેશે.
આ પણ વાંચો – સેમ કરનને 18.50 કરોડ અને કેમરૂન ગ્રીનને 17.5 કરોડ શા માટે આપ્યા? જાણો કેવો છે રેકોર્ડ
2022માં કેએલ રાહુલની કેપ્ટનશિપ
જો આ વર્ષે કેએલ રાહુલની કેપ્ટનશિપની વાત કરવામાં આવે તો તેણે આઈપીએલમાં પોતાની ટીમને સેમિફાઇનલ સુધી પહોંચાડી હતી. આ વર્ષની શરૂઆતમાં કેએલની કેપ્ટનશિપમાં ભારતનો પરાજય થયો હતો પણ અંતમાં જ્યારે પણ કેએલ રાહુલે કેપ્ટનશિપ કરી ભારતીય ટીમને જીત મળી છે.
કેએલ રાહુલનું 2022માં પ્રદર્શન
કેએલ રાહુલે 2022માં 4 ટેસ્ટની 8 ઇનિંગ્સમાં 17.12ની એવરેજથી 137 રન બનાવ્યા છે. બેસ્ટ સ્કોર 50 રહ્યો છે. વન-ડેની વાત કરવામાં આવે તો 10 વન-ડેમાં 27.88ની એવરેજથી 251 રન બનાવ્યા છે. ટી-20 ક્રિકેટમાં 16 ઇનિંગ્સમાં 28.93ની એવેરજથી 434 રન બનાવ્યા છે. જેમાં 6 અડધી સદી ફટકારી છે.