China Covid Policy: ચીનના સખત કોવિડ-19 પ્રતિબંધ સામે રવિવારે ચીનના સૌથી મોટા શહેર શંઘાઇમાં વિરોધ પ્રદર્શન શરુ થઇ ગયા છે. સોશિયલ મીડિયા પર ઘણા એવો વીડિયો સામે આવ્યા છે જેમાં લોકો સરકારની ઝીરો કોવિડ નીતિ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ચીની સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધો સામે લોકોએ રાષ્ટ્રપતિ શી જિનપિંગના રાજીનામાની માંગણી કરી હતી.
મોટી સંખ્યામાં ચીની નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા
ચીનમાં કોરોના મહામારી સંબંધિત પ્રતિબંધોમાં ઢીલ આપવા માટે મોટી સંખ્યામાં ચીની નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સૌથી વધારે વિરોધ શંઘાઇ શહેરમાં જોવા મળ્યો હતો. ડીડબલ્યૂ ન્યૂઝ ઇસ્ટ એશિયાના સંવાદદાતા વિલિયમ યાંગ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયો પ્રમાણે ઉરુમકી રોડ પર લોકોએ શી જિનપિંગની આગેવાનીવાળી કમ્યુનિસ્ટ પાર્ટી સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા.
પ્રદર્શન કરી રહેલા લોકોએ કમ્યુનિસ્ટ પાર્ટી હટાવો અને કમ્યુનિસ્ટ પાર્ટી પદ છોડોના નારા લગાવ્યા હતા. લોકોનો ગુસ્સો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉપર પણ ફૂટ્યો હતો. શી જિનપિંગ પદ છોડો ના નારા પણ લગાવ્યા હતા.
આ પણ વાંચો – યૂએઈમાં એક નામવાળા વ્યક્તિને ટૂરિસ્ટ વિઝા પર એન્ટ્રી નહીં, નવા નિર્ણયથી ભારતમાં કેવી રીતે થઇ રહી છે પરેશાની
લોકોએ કહ્યું- મારે પીસીઆર ટેસ્ટ જોઈતો નથી, મારે આઝાદી જોઈએ
શંઘાઇમાં વિરોધ પ્રદર્શનના એક ટ્વિટમાં વિલિયમ યાંગે કહ્યું કે ઘણા લોકો ઉરુમકી રોડ પર એકત્ર થયા અને નારા લગાવ્યા. મારે પીસીઆર ટેસ્ટ જોઈતો નથી, મારે આઝાદી જોઈએ. યાંગે લખ્યું કે ઉરુમકી રોડ પર લોકોએ શિનજિયાંગમાં પણ લોકડાઉન ખતમ કરવાનું આહ્વાન કર્યું. યાંગે કહ્યું કે શંઘાઇમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે રકઝક થઇ હતી. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને અંતમાં ઘેરી લીધા અને કેટલીક મહિલાઓની કથિત રીતે ધરપકડ પણ કરી હતી.
શુક્રવારે ચીનના શહેર ઉરુમકીમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં 10 લોકોના મોત થયા હતા. આ બિલ્ડિંગમાં ઘણા લોકોને ઝીરો કોવિડ નીતિ અંતર્ગત ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા. આ ઘટના પછી લોકોનો સરકાર ઉપર ગુસ્સો ભડક્યો હતો અને સરકારની કોવિડ નીતિ સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા.તમને જણાવી દઇએ કે ચીની સરકાર કોરોના મહામારીને રોકવા માટે કડક કોવિડ-19 નીતિનું પાલન કરી રહી છે.