Earthquake in Turkey: તુર્કીમાં ફરીથી ભારે ભૂકંપ આવ્યો છે. તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી NFADના જણાવ્યા પ્રમાણે આ વખત 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિન્દુ હતાય પ્રાંતના ડેફને શહેરની આસપાસ હતું. એનટીવી ટેલિવિઝનના જણાવ્યા પ્રમાણે ભૂકંપના કારણે કેટલાક વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 213 લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળ ઉપર રાહત અને બચાવ કાર્ય શરુ છે. હજી છ લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
મળતી માહિતી પ્રમાણે પોલીસે ત્રણ માળની ઇમારતની અંદર ફસાયેલા એક વ્યક્તિને જીવતો બચાવી લીધો છે. કાટમાળમાં ફસાયેલા અન્ય ત્રણ લોકો સુધી પહોંચવાની કોશિશ થઇ રહી છે. તુર્કીની સરકારી અનાદોલુ એજન્સીએ કહ્યું કે ભૂકંપના ઝટકા, સીરિયા, જોર્ડન, ઇઝરાઇલ અને ઇજીપ્તમાં અનુભવાયા હતા. તુર્કી અને સીરિયામાં છ ફેબ્રુઆરીએ આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ 45,000 લોકોના મોત નીપજ્યા છે. તુર્કીના અધિકારીઓ 6000થી વધારે ઝાટકા નોંધ્યા છે.
અમેરિકાએ તાજેતરના ભૂકંપ અંગે ચિંતા વ્યક્ત કરી છે
અમેરિકાએ તુર્કીમાં આવેલા તાજા ભૂકંપ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને જણાવ્યું હતું કે દક્ષિણ તુર્કીમાં સોમવારે આવેલા બે તાજા ભૂકંપ અંગે અમેરિકા “ગહન ચિંતિત” છે અને તુર્કીને સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છે. સુલિવને ટ્વિટર પર લખ્યું, “તુર્કી અને સીરિયામાં પહેલાથી જ વિનાશક વિસ્તારોમાં ભૂકંપની અસરના અહેવાલોથી અમે ખૂબ જ ચિંતિત છીએ.” યુનાઇટેડ સ્ટેટ્સ તેને સંપૂર્ણ સમર્થન આપવાનું ચાલુ રાખશે.”
તુર્કીમાં વારંવાર ભૂકંપ કેમ આવે છે?
તુર્કી અને તેની આસપાસનો વિસ્તાર એનાટોલીયન પ્લેટ પર આવેલો છે. તુર્કી 6 ટેકટોનિક પ્લેટોથી ઘેરાયેલું છે. એનાટોલીયન પ્લેટની પૂર્વમાં પૂર્વ એનાટોલીયન ફોલ્ટ છે જ્યારે ડાબી બાજુ ટ્રાન્સફોર્મ ફોલ્ટ છે.
દક્ષિણ અને દક્ષિણપશ્ચિમમાં આફ્રિકન પ્લેટ છે. આ સિવાય તુર્કીના ઉત્તરમાં યુરેશિયન પ્લેટ છે. આ પ્લેટો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. આ પ્લેટો વચ્ચે ઘર્ષણનું કારણ બને છે. જેના કારણે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાય છે.
કેટલાક વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે તુર્કીની આસપાસની સ્થિતિ એશિયામાં હિમાલયના પ્રદેશો કરતા અલગ છે. ઉત્તર એનાટોલિયન પ્લેટના અભ્યાસ પછી, તે જાણીતું છે કે એનાટોલિયા યુરેશિયન પ્લેટથી અલગ થઈ ગયું છે. આ અભ્યાસમાં બહાર આવ્યું છે કે આ પ્લેટો પર અરેબિયન પ્લેટનું દબાણ વધી રહ્યું છે. અને યુરેશિયન પ્લેટ આ દબાણને અટકાવી રહી છે.