Blast in Afghanistan Kabul: નવા વર્ષના પ્રથમ દિવસે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બ્લાસ્ટ થયો છે. કાબુલના સૈન્ય એરપોર્ટની બહાર જોરદાર બ્લાસ્ટ થયો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે ટોલો ન્યૂઝે જણાવ્યું કે રવિવારે સૈન્ય એરપોર્ટ પર વિસ્ફોટ થયો હતો. તાલિબાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી તાકોરે જણાવ્યું કે આજે સવારે કાબુલ સૈન્ય એરપોર્ટની બહાર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં ઘણા નાગરિક માર્યા ગયા છે અને ઘણા ઇજાગ્રસ્ત થયા છે.
28 ડિસેમ્બરે તખાર પ્રાંતમાં થયો હતો બ્લાસ્ટ
તાકોરે આ બ્લાસ્ટમાં ઇજાગ્રસ્તોની સંખ્યાનો ખુલાસો કર્યો નથી પણ એ જરૂર જણાવ્યું કે આ ઘટનામાં તેમના ઘણા નાગરિકોના મોત થયા છે. આ પહેલા અફઘાનિસ્તાનમાં બુધવારે ઉત્તરી તખાર પ્રાંતની રાજધાની તાલુકાન શહેરમાં વિસ્ફોટ થયો હતો. જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેના ત્રણ દિવસ પછી કાબુલના આર્મી એરપોર્ટ પર બ્લાસ્ટ થયો હતો.
આ પણ વાંચો – રશિયાએ યુક્રેનમાં 100થી વધુ મિસાઈલો છોડી, વીજળી બંધ, આખા યુક્રેનમાં સાયરન વાગ્યું
અફઘાનિસ્તાનમાં અવારનવાર થઇ રહ્યા છે બ્લાસ્ટ
ખામા પ્રેસે જણાવ્યું કે તખારમાં તાલિબાન સુરક્ષા કમાન્ડર અબ્દુલ મુબીન સફીએ વિસ્ફોટની પૃષ્ટી કરી અને કહ્યું કે બોમ્બ સ્થાનીય પ્રશાસનિક કર્મચારીઓના ડેસ્ક નીચે રાખવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક મહિનામાં યુદ્ધગ્રસ્ત દેશમાં ઘણા વિસ્ફોટ થઇ રહ્યા છે. આ પહેલા સોમવારે એક વિસ્ફોટમાં ઉત્તરી બદખશાં પ્રાંતના પોલીસ પ્રમુખનું મોત થયું હતું અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા હતા.
12 નવેમ્બરે કાબુલની ચીની હોટલ પર થયો હતો હુમલો
આ પહેલા 12 નવેમ્બરે અફઘાનિસ્તાનમાં હુમલાખોરે કાબુલમાં ચીનની હોટલમાં ઘુસીને ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 3 લોકોના મોત થયા હતા જ્યારે 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ગત વર્ષે અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનની વાપસી પછી તેમણે રાષ્ટ્રીય સુરક્ષામાં સુધારાનો દાવો કર્યો છે પણ અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી દેશમાં વિસ્ફોટ અને ગોળીબારી વધી ગઇ છે.