રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમયમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર મોસ્કો પહોંચ્યા છે. તેમણે આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સેરગે લાવરોવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બન્ને વચ્ચે દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા પર ચર્ચા થઇ હતી.
વિદેશ મંત્રી એસ.જયશંકરે યુક્રેન યુદ્ધને લઇને શાંતિનો સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું કે ભારત પુરી મજબૂતી સાથે કહે છે કે સંવાદ તરફ પરત ફરવું જોઈએ. છેલ્લા કેટલાક વર્ષો કોરોના મહામારીમાં પસાર થયા છે. દુનિયાભરના દેશો પર વિત્તીય દબાણ આવ્યું છે અને વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બધાની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર પડી છે. યુક્રેન યુદ્ધની અસર પણ દુનિયા પર જોવા મળી રહી છે.
વિદેશ મંત્રી જયશંકરે રશિયાથી તેલ ખરીદવાને લઇને પશ્ચિમી દેશોના દબાણ પર કહ્યું કે ભારત અને રશિયાનો સંબંધ ઘણો જૂનો અને મજબૂત છે. તેલની આપૂર્તિને લઇને એનર્જી માર્કેટ પર દબાણ છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ અને ગેસનો ગ્રાહક છે. તેમણે કહ્યું કે ભારતનું મૌલિક દાયિત્વ છે કે તે પોતાના ગ્રાહકોને વધારેમાં વધારે લાભ પહોંચાડી શકે. ભારતના રશિયા સાથે ઘણા હિતો જોડાયેલા છે અને તેથી હું અહીં આવ્યો છું.
આ પણ વાંચો – યુક્રેનની રાજધાની કિવ ગરમ પાણી કે પાવર વિના શિયાળાની કરી રહ્યું છે તૈયારી
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે આપણે વર્ષમાં પાંચમી વખત મળી રહ્યા છીએ. મને લાગે છે કે આ આપણી દીર્ધકાલિન ભાગીદારી અને મહત્વને દર્શાવે છે. એએનઆઈના મતે વિદેશ મંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દુનિયાએ અફઘાનિસ્તાનની સ્થિતિને ના ભૂલવી જોઈએ કારણ કે આજે તે તરફ ધ્યાન જઇ રહ્યું નથી. ભારતે અફઘાનિસ્તાનને ભોજન, દવાઓ, વેક્સીન ઉપલબ્ધ કરાવી છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે અફઘાનિસ્તાનથી ઓપરેટ થનાર આતંકવાદ અને આતંકવાદીઓને લઇને ચિંતા કરવાની જરૂર છે.