પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને ફરી એક વખત ભારતની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે. પોતાના સંબોધન દરમિયાન ઇમરાને પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIની સખત ટિકા કરી છે અને કહ્યું કે તે આઈએસઆઈની પોલ ખોલશે.
ઇમરાન ખાન હાલના દિવસોમાં સતત પાક સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. ઇમરાન ખાને શહબાઝ શરીફની સરકાર સામે હકીકી આઝાદી માર્ચ પણ કાઢી છે, જે લાહોરથી શરુ થઇ ચુકી છે અને ઇસ્લામાબાદ સુધી જશે. માનવામાં આવી રહ્યું છે કે માર્ચમાં જનસમર્થન દેખાડીને તે પાકિસ્તાનમાં ચૂંટણી માટે પ્રશાસન પર દબાણ કરવા માંગે છે. આ દરમિયાન તેની સેના પ્રમુખ અને આઈએસઆઈ પ્રમુખ સાથે પણ તનાતની ચાલી રહી છે જેને લઇને પણ નિવેદનબાજી કરી રહ્યા છે.
આ પણ વાંચો – પાકિસ્તાનને ખુલ્લુ પાડવા માટે UNSCની મિટિંગમાં ભારતે વગાડી સાજિદ મીરની ટેપ
ઇમરાન ખાને રેલીને સંબોધિત કરતા કહ્યું કે હું આઈએસઆઈની પોલ ખોલી નાખીશ. હું કોઇ કાનૂન તોડી રહ્યો નથી. તેમણે સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને મીર જાફર અને ગદ્દાર બતાવીને સંબોધિત કર્યો હતો. એક દિવસ પહેલા જ આઈએસઆઈ પ્રમુખે ઇમરાન પર ગદ્દારીનો આરોપ લગાવ્યો હતો. કહ્યું હતું કે ઇમરાને પોતાની સરકાર બચાવવા માટે સેના પ્રમુખ બાજવાને ખાસ ઓફર આપી હતી.
ઇમરાન ખાનની આર્મી ચીફ, આઈએસઆઈ પ્રમુખ નદીમ અંજુમ સાથે ખુલીને તકરાર ચાલી રહી છે. તે સતત બાજવાને મીર જાફર અને ગદ્દાર બતાવી રહ્યા છે. ઇમરાનના પ્રહાર પર ડાયરેક્ટર જનરલ આઈએસઆઈ લેફ્ટિનેન્ટ નંદીમ અંજુમે મીડિયા સામે આવીને જવાબ આપ્યો હતો. તેણે પૂર્વ પીએમના આરોપોનું ખંડન કરતા કહ્યું કે પાકિસ્તાનના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ આઈએસઆઈ ચીફે સામે આવીને જવાબ આપવો પડ્યો હતો.