પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન હાલના સમયે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ઇમરાન ખાનનું એક નિવેદન સામે આવ્યું છે. રશિયા પાસેથી કાચું તેલ ખરીદવાના મામલે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને ફરી એક વખત ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી છે. પાકિસ્તાનને એક વીડિયો સંબોધનમાં ઇમરાન ખાને કહ્યું કે ઇસ્લામાબાદ ભારતની જેમ સસ્તુ કાચું તેલ મેળવવા માંગતું હતું પણ તે તેમાં અસફળ રહ્યું છે.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના પ્રમુખે કહ્યું કે ઇસ્લામાબાદ પણ ભારતની જેમ સસ્તું કાચું તેલ મેળવવા માંગતું હતું પણ તે આવું કરવામાં સફળ થઇ શક્યું નથી. કારણ કે મારી સરકાર અવિશ્વાસ પ્રસ્તાવમાં પડી ગઇ હતી. ઇમરાન ખાન છેલ્લા 23 વર્ષોમાં મોસ્કોનો પ્રવાસ કરનાર પ્રથમ પાકિસ્તાની પ્રધાનમંત્રી હતા. જોકે તે કોઇ એવો કરાર કરી શક્યા ન હતા જેનાથી આર્થિક તંગીથી ઝઝુમી રહેલા દેશને રાહત મળી શકે. જે દિવસે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં સૈન્ય અભિયાન શરુ કર્યું હતું તે દિવસે ઇમરાન ખાન રશિયામાં હતા.
આ પણ વાંચો – આ વર્ષે 3 ટાકથી પણ ઓછો રહેશે વૈશ્વિક આર્થિક વિકાસ દર, IMFના વડાએ વ્યક્ત કરી આશંકા
ઇમરાન ખાને પશ્ચિમના દબાણ સાથે પોતાની અર્થવ્યવસ્થાને વધારવા માટે રશિયાથી તેલ ખરીદવાના મામલામાં ભારતની ઉપલબ્ધિઓનો સ્વીકાર કર્યો છે. સપ્ટેમ્બર 2022માં ઇમરાને પૂર્વ પીએમ નવાબ શરીફની અબજોની સંપત્તિને લઇને તેમના પર પ્રહાર કર્યો હતો. આ સમયે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું હતું કે દુનિયામાં નવાઝ સિવાય કોઇ અન્ય નેતા પાસે અબજોની સંપત્તિ નથી. મને એક દેશ વિશે જણાવો જેના પ્રધાનમંત્રી કે નેતા પાસે દેશની બહાર અબજોની સંપત્તિ છે. આપણા પડોશી દેશમાં પણ પીએમ મોદી પાસે ભારતની બહાર કેટલી સંપત્તિઓ છે?
આ પહેલા મે 2022માં ઇમરાન ખાને અમેરિકાનું દબાણ હોવા છતા રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાના પીએમ મોદીના નિર્ણયની પ્રશંસા કરી હતી. ઇમરાને ટ્વિટ કર્યું હતું કે ક્વાડનો સભ્ય હોવા છતા ભારતે અમેરિકાના દબાણનો સામનો કર્યો અને પોતાના લોકોની સુવિધા માટે રશિયા પાસેથી સસ્તુ તેલ ખરીદ્યું.