આતંરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) નું વૈશ્વિક આર્થિક વિકાસ અંગે મોટું નિવેદન સામે આવ્યું છે. IMFએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, વિશ્વની અર્થવયવ્સાથા 3 ટકાથી ઓછા દરે વૃદ્ધિ પામશે. જેમાં ભારત અને ચીનનો ત્રીજા ભાગના ફાળો રહેશે. IMFના અધ્યક્ષ ક્રિસ્ટલિના જોર્જીવાએ ચેતવણી આપતા કહ્યું હતું કે, યુક્રેન યુદ્ધ અને કોરોના મહામારીના કારણે ગયા વર્ષે અર્થવ્યસ્થામાં જે ગિરાવટ આવી હતી તે આ વર્ષે પણ યથાવત રહેશે.
ક્રિસ્ટલિના જોર્જીવાએ વૈશ્વિક અર્થતંત્રનો વૃદ્ધિ દર વર્ષ 2023માં 3 ટકાથી પણ ઓછો રહેવાની આશંકા વ્યક્ત કરતા ગઇકાલે 7 એપ્રિલના રોજ કહ્યું હતું કે, વિશ્વસ્તરે ભૂખ અને ગરીબીનું જોખમ વધી રહ્યું છે. આ સાથે ક્રિસ્ટલિના જોર્જીવાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે,આગામી પાંચ વર્ષ સુધી આર્થિક વિકાસ દર લગભગ 3 ટકા જ રહેવાનો અનુમાન છે. જે વર્ષ 1990 પછીથી આપણા વચગાળાના સૌથી ઓછા વિકાસનું પૂર્વાનુમાન છે.
વધુમાં ક્રિસ્ટલિના જોર્જીવાએ કહ્યું હતું કે, અર્થતંત્રમાં મંદ ગતિએ વૃદ્ધિ એક ગંભીર આંચકો છે. જેને પગલે ઓછી આવક ધરાવનાર દેશો માટે મુશ્કેલીમાં વધારો થશે. ક્રિસ્ટલિએ ચિંતા વ્યક્ત કરી હતી કે, વૈશ્વિક વૃદ્ધિ સુસ્ત પડવાથી ગરીબી અને ભુખમરામાં પહેલાથી જ વધારો થયો છે. જે કોવિડ સંકટના કારણે પહેલાથી જ એક પડકાર છે. જે એક ખતરનાક પ્રવૃતિ છે. ક્રિસ્ટલિના જોર્જીવાનું આ નિવેદન IMF અને વિશ્વ બેંકની વોશિંગટનમાં આગામી સપ્તાહમાં યોજાનારી વાર્ષિક વસંત બેઠક પહેલા સામે આવ્યું છે.
આ ઉપરાંત IMFએ કહ્યું હતું કે, ભારતે વ્યાપક ઉપયોગ માટે વિશ્વ કક્ષાનું ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે અને અન્ય દેશો પણ તેમાંથી બોધપાઠ લઈ શકે છે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ યુનિક આઇડેન્ટિફિકેશન, UPI અને આધાર-સક્ષમ ચુકવણી સેવા સાથે ડિજીલૉકર અને એકાઉન્ટ એગ્રીગેટર જેવી ડેટા એક્સચેન્જની વ્યવસ્થા સામેલ છે. IMFના વર્કિંગ પેપરમાં ઉલ્લેખ છે કે, ભારતમાં તમામ ત્રણેય પ્રકારના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઓનલાઈન, પેપરલેસ, કેશલેસ અને પ્રાઈવસી-સંવેદનશીલ તમામ જાહેર અને ખાનગી સેવાઓને મહત્વ આપતી ડિજિટલ એક્સેસ સુનિશ્ચિત કરે છે.
IMF અનુસાર, આ માળખામાં કરવામાં આવેલા રોકાણનો ફાયદો દેશભરમાં અનુભવાય રહ્યો છે તેમજ તેને કોરોના મહામારી જેવા આકરા સમયમાં પણ ઘણી મદદ કરી છે. સરકારી તિજોરીમાંથી સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં સામાજિક સુરક્ષા ભંડોળ ટ્રાન્સફર કરીને સરકારી નાણાંનો બગાડ અટકાવ્યો, ભ્રષ્ટાચાર પર લગામ લગાવી અને વધુમાં વધુ પરિવારો સાથે સંપર્કમાં આવવા માટે પણ ખુબ મદદ કરી. ત્યારે ભારત સરકારનો અંદાજ છે કે, માર્ચ 2021 સુધીમાં ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે GDPના લગભગ 1.1 ટકા વ્યય બચાવી શકાયો છે.
આ પણ વાંચો: ઇઝરાયલનો લેબનાન ગાજા પટ્ટી પર હવાઇ હુમલો, હમાસની હથિયાર ફેક્ટરીને બનાવી નિશાન
IMF વર્કિંગ પેપરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, લગભગ 87 ટકા પરિવારોને રોગચાળાના શરૂઆતના દિવસોમાં ઓછામાં ઓછો એક લાભ મળ્યો હતો. આ સિવાય લગભગ 45 લાખ વ્યક્તિઓ અને કંપનીઓને પણ એકાઉન્ટ એગ્રીગેટર્સ દ્વારા નાણાકીય સેવાઓનો લાભ મળ્યો છે. તેમજ ડિજિટાઇઝેશનની પ્રક્રિયાએ અર્થતંત્રને ગોઠવવામાં મદદ કરી છે. જુલાઈ 2017 થી માર્ચ 2022 સુધીમાં, લગભગ 88 લાખ નવા કરદાતા નોંધાયા છે, જેનાથી સરકારની આવકમાં વધારો થયો છે. આ બધા ફાયદાઓ હોવા છતાં, IMF વર્કિંગ પેપર ભારતમાં ડેટા સંરક્ષણ પર વ્યાપક કાયદાની ગેરહાજરીની નોંધ કરે છે.નાગરિકોની ગોપનીયતાનું રક્ષણ કરવા અને ડેટા ભંગની ઘટનામાં સરકાર અને કંપનીઓને જવાબદાર રાખવા માટે મજબૂત ડેટા પ્રોટેક્શન સિસ્ટમ જરૂરી છે.