G7 સમિટ : પીએમ નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં ઝેલેન્સ્કીને કહ્યું – સતત ફોન પર વાત કરી, સમાધાન માટે દરેક સંભવ પ્રયાસ કરીશું

G7 summit : રશિયા-યુક્રેન યુદ્ધ પછી પીએમ નરેન્દ્ર મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે આ પહેલી મુલાકાત છે

Written by Ashish Goyal
May 20, 2023 16:52 IST
G7 સમિટ : પીએમ નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં ઝેલેન્સ્કીને કહ્યું – સતત ફોન પર વાત કરી, સમાધાન માટે દરેક સંભવ પ્રયાસ કરીશું
જી-7ની બેઠક માટે જાપાનના હિરોશિમા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી (Photo: Twitter/PMO)

Narendra Modi at G7 summit : જી-7ની બેઠક માટે જાપાનના હિરોશિમા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી છે. આ બેઠક એટલા માટે મહત્વની છે કારણ કે આ સમયે રશિયા અને યુક્રેનના યુદ્ધે વિસ્ફોટક સ્વરૂપ ધારણ કર્યું છે, ફરી એકવાર અનેક વિસ્તારોમાં સ્થિતિ તણાવપૂર્ણ બની ગઇ છે.

શુક્રવારે બેઠક પહેલા પીએમ મોદીએ એ વાત પર જોર આપ્યું હતું કે ભારત હંમેશા શાંતિનું સમર્થક રહ્યું છે અને આ તબક્કામાં સંઘર્ષ નહીં પરંતુ સહયોગની જરૂર છે. હવે આજની મુલાકાત આ જ કડીમાં જોવા મળી રહી છે. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું છે કે અમે સતત યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. મેં દરેક વખતે કહ્યું છે કે સમાધાન માટે જે પણ કરી શકાય તે અમે કરીશું. મારા માટે આ કોઇ રાજનીતિનો વિષય નથી પરંતુ માનવીય મૂલ્યોનો મુદ્દો છે. પીએમે એ વાત પર પણ ભાર આપ્યો કે આ યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર પડી છે.

જાણકારી માટે જણાવી દઈએ કે આ યુદ્ધની અસર યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ પર પણ પડી હતી. ઘણી મુશ્કેલીઓ પછી તે વિદ્યાર્થીઓ ઘરે પાછા ફર્યા હતા. બેઠક દરમિયાન પીએમ મોદીએ તે મુદ્દો ઝેલેન્સ્કીની સામે પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમણે યુક્રેનથી પરત ફરેલા તમામ ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી.

આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે, કહ્યુ – ‘ભારત પાકિસ્તાન સાથે સામાન્ય સંબંધો ઇચ્છે છે

મોટી વાત એ છે કે હાલમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે પીએમ મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે આ પહેલી મુલાકાત છે. ફોન પર ઘણી વખત વાત કરી ચૂક્યા છે પરંતુ પ્રથમ વખત બન્ને નેતા રૂબરૂ મળ્યા છે. અત્યાર સુધી ભારતે આ સમગ્ર યુદ્ધ દરમિયાન યુક્રેન સામે કોઇ સ્ટેન્ડ લીધું નથી, રશિયાને લઇને કોઇ આક્રમક વલણ અપનાવ્યું નથી.

પોતાના જૂના સ્ટેન્ડ પર યથાવત્ રહેતા ભારતે તટસ્થ એટલે કે ન્યૂટ્રલ રહેવાનો નિર્ણય કર્યો છે. આ કારણે રશિયા અને યુક્રેન બંને ભારતને પોતાનું મિત્ર માને છે. કેટલાક દેશો એવા પણ છે જેમની નજરમાં માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થતા કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ