Australia Helicopter Collision : ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં 2 હેલિકોપ્ટર વચ્ચે હવામાં જોરદાર ટક્કર થઇ છે. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ક્લીન્સલેન્ડ પોલીસના ઇન્સપેક્ટર ગૈરી વોરેલના મતે આ દુર્ઘટના ગોલ્ડ કોસ્ટમાં આવેલા પ્રસિદ્ધ પર્યટન સ્થળ સી વર્લ્ડ રિઝોર્ટ પાસે થઇ છે. એક હેલિકોપ્ટર લેન્ડ કરવાની પ્રક્રિયામાં હતું ત્યારે બીજુ ઉડાન ભરી રહ્યું હતું.
દુર્ઘટના પછી એક હેલિકોપ્ટરે સુરક્ષિત લેન્ડ કરવામાં સફળતા મેળવી
બતાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના પછી એક હેલિકોપ્ટરે સુરક્ષિત લેન્ડ કરવામાં સફળતા મેળવી હતી. જ્યારે બીજુ દુર્ઘટના પછી તરત ક્રેશ થઇ ગયું હતું. મૃતકો અને ઇજાગ્રસ્ત થયેલા પેસેન્જરો ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં સવાર હતા. દુર્ઘટના પછી સુરક્ષિત લેન્ડિંગ કરનાર હેલિકોપ્ટરના કાચ તૂટીને તેમાં બેસેલા લોકોને વાગ્યા હતા. જે પછી યાત્રીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચો – કેમ અગાઉનું વર્ષ એલોન મસ્ક અને ટેસ્લા માટે સંકટના વાદળોથી ઘેરાયેલું રહ્યું ?
આ ઘટના પછી દરિયા કિનારે હાજર રહેલા લોકોએ ઇજાગ્રસ્તોની મદદ શરુ કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયાના જે સી રિસોર્ટ પર આ દુર્ઘટના બની છે તે પ્રસિદ્ધ ટૂરિસ્ટ ડેસ્ટીનેશન છે.
લોકોને બીચ પર ન જવાની સલાહ પણ આપવામાં આવી
ક્વીન્સલેન્ડ એમ્બ્યુલન્સ સર્વિસે ટ્વિટ કરીને જાણકારી આપી કે 13 ઇજાગ્રસ્તોની દુર્ઘટના સ્થળ પર સારવાર કરવામાં આવી. આ સાથે લોકોને બીચ પર ન જવાની સલાહ પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નવા વર્ષે અને આખા જાન્યુઆરી મહિના દરમિયાન ઓસ્ટ્રેલિયાનો આ બીચ એક ટૂરિસ્ટ સ્પોટ માનવામાં આવે છે. અહીં ઘણી ભીડ જોવા મળે છે.