Imran Khan Arrest Updates: પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમની પાર્ટી પીટીઆઈના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. પીટીઆઈના કાર્યકરો પાકિસ્તાનના જુદા જુદા ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટ ડોનના જણાવ્યા અનુસાર પીટીઆઈના કાર્યકર્તાઓ લાહોર કેન્ટમાં સૈન્ય અધિકારીઓના રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા છે અને તેમાં તોડફોડ કરી છે.
ડોનના અહેવાલ મુજબ પીટીઆઈના સમર્થકો રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટર્સની બહાર એકઠા થઈ રહ્યા છે. આ સિવાય સમગ્ર ઇસ્લામાબાદમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને ચેતવણી આપવામાં આવી છે. પેશાવરમાં પ્રદર્શનકારીઓ દ્વારા એક રેડિયો સ્ટેશનને આગ ચાંપી દેવામાં આવી હોવાના અહેવાલ છે.
હિંસક ઘટનામાં ઈસ્લામાબાદ પોલીસના લગભગ પાંચ અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા છે. ઈસ્લામાબાદ પોલીસે ટ્વિટર પર આ માહિતી આપી હતી. ઇસ્લામાબાદ પોલીસના જણાવ્યા અનુસાર શહેરમાં અગાઉ લાગુ કરાયેલી કલમ 144નું ઉલ્લંઘન કરવા બદલ અત્યાર સુધીમાં લગભગ 43 વિરોધીઓની ધરપકડ કરવામાં આવી છે.
પેશાવરમાં કલમ 144 લાગુ
ડેપ્યુટી કમિશનર શાહ ફહાદના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ મંગળવારે પેશાવરમાં 30 દિવસના સમયગાળા માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસે આદેશનું ઉલ્લંઘન કરવા પર કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. પાકિસ્તાનના દૈનિકના મતે ફોજદારી કાર્યવાહી સંહિતાની સેક્શન 144 (1) જિલ્લા વહીવટીતંત્રને જાહેર હિતમાં આદેશો જારી કરવાની સત્તા આપે છે જે ચોક્કસ સમયગાળા માટે કોઈ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકી શકે છે.
આ પણ વાંચો – પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની નાટકીય ધરપકડ, શું છે અલ-કાદિર ટ્રસ્ટ કેસ? જાણો
ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં લખી મારવાત જિલ્લામાં પીટીઆઈના સમર્થકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઇંડસ હાઈવેને પીટીઆઈના કાર્યકર્તાઓએ બંધ કરી દીધો છે. અહીં ઘણા સ્થળો પર ટાયરો સળગાવવામાં આવ્યા છે. એ જ રીતે કરાચી અને ઇસ્લામાબાદમાં પણ પીટીઆઇના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો છે.
શું ઈમરાન ખાનને ધરપકડથી ફાયદો થશે?
પાકિસ્તાનના વકીલ અબ્દુલ મોઈઝ જાફરીનું માનવું છે કે ઈમરાન ખાનની ધરપકડ તેમને વધુ લોકપ્રિય બનાવવાનું કામ કરશે. ડોન ન્યૂઝ સાથે વાત કરતા તેમણે કહ્યું કે વર્તમાન સરકાર અને તેના બિનચૂંટાયેલા સાથીઓનું માનવું છે કે ઇમરાનને પીટીઆઈમાંથી હાંકી કાઢવાથી આ સરકાર પર લગાવવામાં આવી રહેલા દબાણને ઓછું કરી શકાય છે પરંતુ આજની ધરપકડથી કરવામાં આવી રહેલા દાવાઓને સાબિત કરવાની વધુ એક તક મળશે.